India US Trade Deal Delay: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકી પડેલી 'ટ્રેડ ડીલ' પાછળ કોઈ નીતિગત કારણ નહીં, પરંતુ અંગત અહમ જવાબદાર હોવાનો મોટો ખુલાસો થયો છે. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો ફોન ન કર્યો, જેના કારણે આ મહત્ત્વની ડીલ ફાઇનલ થઈ શકી નથી.
ટ્રમ્પનો ઇગો હર્ટ થયો એટલે અટકી ટ્રેડ ડીલ
અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લટનિકે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, બંને દેશો વચ્ચે લાંબા સમયથી આ વ્યાપાર સમજૂતી એટલે અટકેલી છે કારણ કે પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત નહોતી કરી. લટનિકના કહેવા પ્રમાણે, આ ડીલ અટકવા પાછળ કોઈ નીતિ વિષયક મતભેદો જવાબદાર નથી, પણ પીએમ મોદીએ ટ્રમ્પને સીધો ફોન ન કર્યો તે મુખ્ય કારણ છે.
ડીલ તૈયાર હતી, પણ 'કોલ' ન આવ્યો
લટનિકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'ટ્રેડ ડીલની આખી રૂપરેખા તૈયાર હતી. ટ્રમ્પ ઇચ્છતા હતા કે પીએમ મોદી તેમને ફોન કરીને આ બાબતે વાત કરે, કારણ કે આ 'ટ્રમ્પની ડીલ' હતી. જોકે, ભારત સરકાર કદાચ આ બાબતે સહજ નહોતી અને અંતે પીએમ મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો.' લટનિકના મતે, આ કોલ ન આવવાને કારણે ટ્રમ્પનો ઇગો ઘવાયો અને તેના પરિણામે ડીલ અટકી ગઈ.
આ પણ વાંચો: 'પહેલા ગોળી મારીશું, પછી વાત કરીશું...', શક્તિશાળી અમેરિકાને નાનકડાં દેશની ધમકી
અહમની કિંમત ભારત ચૂકવશે: 50% સુધી ટેરિફ
ટ્રમ્પના ઇગોને ઠેસ પહોંચતા તેની સીધી અસર ભારતના વ્યાપાર પર પડી છે. જે ડીલથી ભારતને રાહત મળવાની હતી, તેના બદલે ટ્રમ્પે ભારત પર 25%થી 50% સુધીના ભારે-ભરખમ ટેરિફ ઝીંકી દીધો છે. લટનિકે સ્પષ્ટ કર્યું છે કે હવે અમેરિકા એ જૂની શરતો પર સમજૂતી કરવા તૈયાર નથી જેના પર પહેલા સંમતિ બની હતી. અમેરિકા હવે એ ડીલમાંથી પાછળ હટી ગયું છે.
ટ્રેડ વોર જેવી સ્થિતિ
ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ માટે ગત વર્ષે નવેમ્બરની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી, પરંતુ છ રાઉન્ડની લાંબી ચર્ચા બાદ પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી અને બંને દેશો આ મહત્ત્વની તક ચૂકી ગયા છે. ખાસ કરીને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થયા છે, જેની સીધી અસરરૂપે તેમણે ભારતીય ચીજવસ્તુઓ પરના ટેરિફમાં સતત વધારો કર્યો છે. જેના કારણે બંને દેશો વચ્ચે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને 500 અબજ ડૉલર સુધી લઈ જવાનું જે મોટું લક્ષ્ય હતું તે હવે જોખમમાં મૂકાયું છે, હાલમાં આ વ્યાપાર માત્ર 191 અબજ ડૉલર છે અને ટ્રેડ ડીલ અટકવાથી આર્થિક વિકાસની ગતિ ધીમી પડી શકે છે.


