ભારતે આ એક વસ્તુ ખરીદવાનું બંધ કરી દીધું તો પાકિસ્તાનને હવે બીજા દેશોને વેચવાના ફાંફા પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Pakistan Trade: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો પર પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે. એ પછી પાકિસ્તાનને સેંધા નમક(Rock Salt)ના વેપારીઓને નવા બજારો શોધવાની નોબત આવી છે. પાકિસ્તાનમાંથી 'હિમાલયન પિંક સોલ્ટ' નામક સેંધા નમક ખરીદનાર ભારત મોટો દેશ હતો, પરંતુ હવે ભારતે સેંધા નમક ખરીદવાનું બંધ કરતાં પાકિસ્તાનને હવે અન્ય દેશોમાં વેચવા માટે ફાંફા પડી રહ્યા છે. પાકિસ્તાન હવે અમેરિકા, ચીન અને વિયેતનામ જેવા દેશોમાં નિકાસ વધારવા માટે સતત કોશિશ કરી રહ્યું છે. વર્ષ 2024માં પાકિસ્તાને 3,50,000 ટન રોક સોલ્ટનો(સેંધા નમક) નિકાસ કર્યો હતો, જેની કિંમત લગભગ 12 કરોડ ડૉલર છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ચાલાકીના કારણે યુરોપ પણ અમેરિકા વિરુદ્ધ, ફ્રાંસે F-35ની સામે રાફેલ ઉતાર્યું
સેંધા નમક ખરીદનાર સૌથી મોટો દેશ રહ્યો છે ભારત
પાકિસ્તાનમાં સેંધા નમક અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનોના નિકાસકાર ગની ઇન્ટરનેશનલના સિનિયર ડિરેક્ટર મન્સૂર અહેમદે આ વિશે વાત કરતાં કહ્યું કે, 'પાકિસ્તાન પાસેથી સેંધા નમક (રોક મીઠું) ખરીદનાર ભારત સૌથી મોટો દેશ રહ્યો છે. પ્રતિબંધનો અર્થ એ છે કે તે દેશમાં કોઈ નિકાસ થતી નથી.’
ઘણા વર્ષોથી ભારત કાચું સેંધા નમક ખરીદતું હતું
મન્સૂરનું કહેવું છે કે, ભારતીય આયાતકારો ઘણાં વર્ષોથી પાકિસ્તાન પાસેથી કાચું સેંધા નમક (રોક મીઠું) ખરીદતા હતા. પછી તેઓ તેને પ્રોસેસ કરીને પેક કરી ઊંચા ભાવે ભારતીય ઉત્પાદન તરીકે અન્ય દેશોમાં પણ વેચતા હતા. મન્સૂર અહેમદે એમ પણ કહ્યું કે, 'ભારત, પાકિસ્તાન અને ચીન મીઠાના સૌથી મોટા નિકાસકારોમાંના એક છે. પરંતુ, હિમાલયન રોક મીઠું માત્ર પાકિસ્તાનમાં જ મળે છે. આ ભારત કે ચીનમાં જોવા નથી મળતું.'

હવે નવા બજારોમાં નિકાસ વધારવા માટેના પ્રયાસો
ભારત દ્વારા આયાત બંધ કરાતાં હવે પાકિસ્તાનના નિકાસકારો નવો વિકલ્પ શોધી રહ્યા છે. પાકિસ્તાનના સોલ્ટ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન(SMAP)ના વડા સાયમા અખ્તર કહે છે કે, 'પાકિસ્તાની રોક મીઠાની સમગ્ર વિશ્વભરમાં માંગ છે. લોકો માને છે કે, તેનાથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા થાય છે. જ્યારે ભારતમાં મીઠું વેચતા હતા ત્યારે 45થી 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાતું હતું. હવે આ 70થી 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: 'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી
પાકના ઉદ્યોગપતિઓ હવે અન્ય દેશોમાં રોક સોલ્ટ વેચવા ઝઝૂમી રહ્યા છે
પાકિસ્તાનમાં સેંધા નમકની મોટી ઉત્પાદક અને નિકાસકાર ઇત્તેફાક કંપનીના સીઈઓ શહઝાદ જાવેદે વાત કરતાં કહ્યું કે, વર્ષ 2025ના પહેલા ક્વાર્ટરમાં પાકિસ્તાન દ્વારા ચીનમાં રોક સોલ્ટની નિકાસમાં વધારો થયો છે. અમે હવે યુએસ, વિયેતનામ, ચીન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, તુર્કી, નેધરલૅન્ડ, ઈટાલી, યુકે, જર્મની, બ્રાઝિલ, યુએઈ, જાપાન, સિંગાપોર, ચિલી, દક્ષિણ આફ્રિકા, રશિયામાં નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ તમામ દેશો પણ સેંધા નમક(રોક સોલ્ટ)ના ખરીદદારો છે.' એટલે હવે સ્પષ્ટ જોઈ શકાય છે કે, પાકિસ્તાની ઉદ્યોગપતિઓ હવે અન્ય દેશોમાં રોક સોલ્ટ વેચીને તેમનું નુકસાન ભરપાઈ કરવા માટે ઝઝૂમી રહ્યા છે.









