ટ્રમ્પની ચાલાકીના કારણે યુરોપ પણ અમેરિકા વિરુદ્ધ, ફ્રાંસે F-35ની સામે રાફેલ ઉતાર્યું
France President Post on Rafale: ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને યુરોપની રક્ષા માટે રાફેલ ફાઇટર જેટને આગળ ધર્યું છે. તેમણે યુરોપિયન દેશોને યુરોપિયન ફાઇટર જેટ પર પોતાની આત્મનિર્ભરતા વધારવાનું આહ્વાન કર્યું છે. જેના માટે રાફેલ ફાઇટર જેટને રજૂ કરવામાં આવ્યું છે. ઇમેન્યુઅલ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેમણે રાફેલ ફાઇટર જેટને દર્શાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું હતું કે, 'અમારા યુરોપની સુરક્ષા માટે'. આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'રાફેલ બોલાવી રહ્યું છે.' ફ્રાન્સના પ્રમુખની આ પોસ્ટનો સીધો અર્થ એ હતો કે, હવે યુરોપમાં પોતાની સુરક્ષા માટે અમેરિકાની તરફ જોવાની જરૂર નથી, પરંતુ યુરોપે પોતાની આત્મરક્ષા માટે ખુદ આત્મનિર્ભર થવું જોઈએ. જોકે, મેક્રોને પોતાની પોસ્ટમાં વિસ્તારથી નથી જણાવ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, રાફેલ ફાઇટર જેટને તે પોતાના યુરોપીય સહયોગી અને NATO દેશની વચ્ચે પહોંચાડવા ઇચ્છે છે.
ફ્રાન્સના પ્રમુખ લાંબા સમયથી યુરોપની વ્યુહાત્મક સ્વાયત્તતા વિશે વાત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, જો યુરોપ સંપૂર્ણપણે અમેરિકન શસ્ત્ર પ્રણાલીઓ પર નિર્ભર રહેશે તો અમેરિકાના આંતરિક રાજકારણ અને ટ્રમ્પના વાપસી જેવા ઘટનાક્રમથી યુરોપ માટે સુરક્ષા પર જોખમ બની શકે છે. માર્ચ 2025માં, તેમણે કહ્યું હતું કે 'આપણે એવા દેશોને યુરોપિયન વિકલ્પો ઓફર કરવા પડશે જે હાલમાં અમેરિકન સંરક્ષણ સાધનોનો ઉપયોગ કરે છે. જેનાથી ખર્ચ ઘટશે અને યુરોપનું આત્મનિર્ભર સંરક્ષણ નેટવર્ક બનશે.' છેલ્લા મહિનાઓમાં, તેમણે વારંવાર યુરોપિયન દેશોમાં ફ્રેન્ચ પરમાણુ બોમ્બ તૈનાત કરવાની વાત કરી છે, જેને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 'રેડ લાઇન ના વટાવશો', UNSCમાં બધા દેશોની સામે ચીનની ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી
યુરોપીય દેશ માટે ફ્રાન્સના રાફેલ!
યુરોપના અનેક દેશો અમેરિકન ફાઇટર એરક્રાફ્ટ F-35 સ્ટીલ્થ ફાઇટરનો ઉપયોગ કરે છે, જેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. પરંતુ જો ફ્રાન્સના પ્રમુખ રાફેલને પ્રોત્સાહન આપી રહ્યા છે અને યુરોપની આત્મનિર્ભરતાની વાત કરી રહ્યા છે, તો તેનો અર્થ એ છે કે તેઓ યુરોપિયન દેશોને F-35 પરની નિર્ભરતા ઘટાડવા માટે હાકલ કરી રહ્યા છે. જ્યારે અમેરિકાના F-35 સ્ટીલ્થ ફાઇટર જેટને 5મી પેઢીનું વિમાન માનવામાં આવે છે, ત્યારે ફ્રેન્ચ રાફેલ 4.5 પેઢીનું મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે. F-35માં અત્યાધુનિક સ્ટીલ્થ ટૅક્નોલૉજી, સેન્સર ફ્યુઝન અને ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતાઓ છે. F-35ની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે, પોલૅન્ડ, ફિનલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને જર્મની જેવા યુરોપિયન દેશોએ તેને પસંદ કર્યું છે. જ્યારે રાફેલે ઘણા યુદ્ધોમાં પણ પોતાની સફળતાનો સંકેત આપ્યો છે. તાજેતરના ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન, રાફેલે તેની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું અને પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નષ્ટ કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
યુરોપ ગમે ત્યારે ફસાઈ શકે છે
પોલૅન્ડે 2020માં 32 F-35 માટે 4.6 બિલિયન અમેરિકન ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ફિનલૅન્ડે 2021માં 64 US F-35 એરક્રાફ્ટનો ઑર્ડર પણ આપ્યો હતો. પરંતુ અમેરિકન ફાઇટર જેટમાં કિલ સ્વિચ વિશે ઘણી અફવાઓ છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, F-35માં કિલ સ્વિચ છે, જેનો કંટ્રોલ અમેરિકા પાસે છે અને અમેરિકા તેના ફાયદા પ્રમાણે ગમે ત્યારે F-35ને ગ્રાઉન્ડેડ કરી શકે છે. આવી સ્થિતિમાં, F-35 ખરીદનારા દેશો ગમે ત્યારે ખરાબ રીતે ફસાઈ શકે છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, અમેરિકા ઇચ્છે તો તેના વેચાયેલા F-35ને ગમે ત્યારે નિષ્ક્રિય કરી શકે છે. જોકે પેન્ટાગને આ અટકળોને સંપૂર્ણપણે નકારી કાઢી છે, આ ભય યુરોપિયન દેશો માટે એક વાસ્તવિક વ્યૂહાત્મક ચિંતા બની ગયો છે. F-35માં દરેક ડેટા, દરેક સોફ્ટવેર અપડેટ અને દરેક ટેક્નિકલ સુધારો અમેરિકાના નિયંત્રણ હેઠળ રહે છે. તેનાથી વિપરીત, રાફેલ સંપૂર્ણપણે ફ્રાન્સના ટેક્નિકલ અને વ્યૂહાત્મક કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, જેનો અર્થ છે કે યુરોપ પાસે સ્વાયત્તતા છે.
આ પણ વાંચોઃ વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે પુતિનની ભારત સાથેના સંબંધો અંગે મોટી જાહેરાત, ઓઈલ-ગેસ પર ફોકસ
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વારંવાર સંઘર્ષ થાય છે. આ ઉપરાંત, ફ્રાન્સ એકમાત્ર યુરોપિયન દેશ છે જે અમેરિકાથી અલગ વિદેશ નીતિનું પાલન કરે છે. કેનેડામાં યોજાયેલી G-7 સમિટ દરમિયાન, ટ્રમ્પ મેક્રોનથી ગુસ્સે થયા હતા. રાફેલ ફાઇટર જેટ માટે મેક્રોનની અપીલનો સમય પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમેરિકા તરફથી યુક્રેનને લશ્કરી સહાય મોટાભાગે બંધ થઈ ગઈ છે અને શંકા વધી રહી છે કે, શું વોશિંગ્ટન હજુ પણ યુરોપના સંરક્ષણ માટે 'વિશ્વસનીય ગેરંટી' છે? ટ્રમ્પે યુરોપનો વિશ્વાસ તોડી નાખ્યો છે. આજે, ભાગ્યે જ કોઈ યુરોપિયન નેતા હશે જે ટ્રમ્પ પર વિશ્વાસ કરે છે. એટલા માટે રાફેલ ઑફર યુરોપ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. રાફેલ સાથે, જર્મની, ઈટલી અને સ્પેન જેવા દેશો માત્ર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર જ નહીં, પણ અમેરિકા પરની તેમની નિર્ભરતાને પણ ઘણી હદ સુધી ઘટાડી શકે છે.