Get The App

ભારતે ટ્રમ્પની દાદાગીરી સામે નમવાની જરૂર નથી, ટેરિફથી અમેરિકાને જ નુકસાન', USના જ નેતાનું મોટું નિવેદન

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારતે ટ્રમ્પની દાદાગીરી સામે નમવાની જરૂર નથી, ટેરિફથી અમેરિકાને જ નુકસાન', USના જ નેતાનું મોટું નિવેદન 1 - image


India US Trade Relations : અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કર્ટ કેમ્પબેલે ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની આકરી ટીકા કરી છે. કેમ્પબેલે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું ભારત-અમેરિકા સંબંધોને ગંભીર જોખમમાં મૂકી રહ્યું છે, જે 21મી સદીમાં અમેરિકા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે કે, ટ્રમ્પના દબાણ સામે ન ઝૂકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો છે, જેનાથી ભારત પર કુલ ટેરિફ 50 ટકા થશે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવશે.

આ પણ વાંચો: 'રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવામાં ભારત કરશે મદદ...' અમેરિકન સાંસદનું મોટું નિવેદન

કેમ્પબેલની ચેતવણી: ભારત રશિયા સાથે સંબંધો નહીં તોડે

એક ઇન્ટરવ્યુમાં કેમ્પબેલે કહ્યું, '21મી સદીમાં અમેરિકાનો સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધ ભારત સાથે છે, અને હવે આ સંબંધો પર પણ જોખમ જોવા મળી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પીએમ મોદી વિશે જે રીતે વાત કરી છે, તેમણે ભારત સરકારને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી છે.' કેમ્પબેલ ભારતને સલાહ આપતાં કહ્યું કે, ભારતે ટ્રમ્પની દાદાગીરી સામે નમવાની જરૂર નથી. '

'જો અમેરિકા ભારત પર દબાણ કરે કે તે રશિયા સાથે સંબંધો તોડી દે...'

કેમ્પબેલે ચેતવણી આપી હતી કે, 'જો અમેરિકા ભારત પર દબાણ કરે કે તે રશિયા સાથે સંબંધો તોડી દે, તો ભારતીય વ્યૂહરચનાકારો તેનાથી વિપરીત કરશે. ભારતને રશિયા સાથે સંબંધો તોડવા માટે કહેવાથી વિપરીત પરિણામ આવી શકે છે.'

અમેરિકામાં દ્વિપક્ષીય ચિંતાઓ

ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકામાં દ્વિપક્ષીય ચિંતાઓ પણ ફેલાઈ છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે ટેરિફની ટીકા કરતા કહ્યું કે, 'આ અમેરિકન કંપનીઓ અને ગ્રાહકો પર બોજ નાખે છે.' તેમણે મુક્ત વેપારની હિમાયત કરતાં કહ્યું, 'અમેરિકન કંપનીઓ અને ગ્રાહકો જ ટેરિફની કિંમત ચૂકવે છે.' આ ઉપરાંત, ડેમોક્રેટ સેનેટર ગ્રેગરી મીક્સે પણ ચેતવણી આપી હતી કે, ટ્રમ્પની "ટેરિફ તંત્ર" ભારત-અમેરિકન ભાગીદારીને નુકસાન પહોંચાડી શકે છે.

આ પણ વાંચો: ટ્રમ્પ-પુતિનની મુલાકાતની તારીખ ફાઈનલ, અલાસ્કામાં યોજાનારી બેઠક પર રહેશે દુનિયાની નજર

ભારતની સ્થિતિ અને પીએમ મોદીનું વલણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં એમએસ સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમ્મેલન દરમિયાન એક મજબૂત સંદેશ આપ્યો. તેમણે કહ્યું, 'અમારા માટે ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ક્ષેત્રના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. હું જાણું છું કે, આપણે આ માટે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, પરંતુ હું તેના માટે તૈયાર છું, ભારત તૈયાર છે.'

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના આ નિવેદન ટ્રમ્પના ટેરિફના જવાબ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, તે તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.


Tags :