Get The App

હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતાં રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો!

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતાં રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો! 1 - image

Russian Crude Oil India Import: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને દરિયાઈ માર્ગો પરના અવરોધો વચ્ચે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, તેની પ્રાથમિકતા દેશની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવાની છે. આ માટે ભારતે ફરીથી રશિયા પાસેથી સસ્તું અને સતત ક્રૂડ મેળવવાની જૂની રણનીતિ તેજ કરી છે.

રૅકોર્ડબ્રેક આંકડા માર્ચમાં સૌથી વધુ ખરીદી

હાલમાં જ સામે આવેલા ડેટા મુજબ, ભારતે રશિયા પાસેથી ક્રૂડની આયાતમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. માર્ચ 2026માં ભારતે રશિયા પાસેથી પ્રતિદિન 1.98 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે. આ આંકડો જૂન 2023 પછીનો સૌથી ઊંચો છે. એપ્રિલની સ્થિતિ અનુસાર એપ્રિલમાં આયાત ઘટીને 1.57 મિલિયન બેરલ થઈ છે, પરંતુ આ ઘટાડો માંગને કારણે નહીં પણ ટેકનિકલ કારણોસર છે. નાયરા એનર્જીની રિફાઇનરીમાં મેન્ટેનન્સ શટડાઉનને કારણે આ કામચલાઉ ઘટાડો જોવા મળ્યો છે.

સસ્તો નહીં પણ સુરક્ષિત સપ્લાય પ્રાથમિકતા

ભારત તેની ક્રૂડ ઓઇલની 90% જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. નિષ્ણાતોના મતે હવે ભારતીય રિફાઇનરીઓ માટે ક્રૂડની કિંમત કરતાં તેની સતત ઉપલબ્ધતા વધુ મહત્ત્વની બની છે. ભારત જેટલું બની શકે તેટલું રશિયન ક્રૂડ ઓઇલ મેળવી રહ્યું છે. જ્યાં સુધી પર્સિયન ગલ્ફમાં સપ્લાય ખોરવાયેલી રહેશે, ત્યાં સુધી રશિયા ભારત માટે સૌથી મોટો અને ભરોસાપાત્ર સ્ત્રોત બની રહેશે. તેવું અનેક નિષ્ણાંતોનું માનવું છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયો સંપૂર્ણપણે ટેકનિકલ અને વ્યાપારી સદ્ધરતાના આધારે લેવામાં આવે છે.

આ પણ વાંચો: હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત

ગ્લોબલ માર્કેટમાં રશિયન ક્રૂડનો સ્ટોક ઘટ્યો

વૈશ્વિક સ્તરે એક ચિંતાજનક સંકેત એ છે કે, સમુદ્રમાં જમા રહેલ રશિયન ક્રૂડનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. ગયા વર્ષના અંતે આ સ્ટોક 155 મિલિયન બેરલ હતો. હવે તે ઘટીને માત્ર 100 મિલિયન બેરલ રહી ગયો છે. જે સૂચવે છે કે રશિયન ક્રૂડની વૈશ્વિક માંગમાં સતત વધારો થઈ રહ્યો છે અને સપ્લાય પર દબાણ વધી રહ્યું છે.

શા માટે ભારત રશિયા તરફ વળ્યું?

શિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયાએ ભારતને આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર કર્યું હતું. હોર્મુઝ સંકટ વચ્ચે પશ્ચિમ એશિયાના રસ્તાઓ અસુરક્ષિત બનતા ભારતને વૈકલ્પિક માર્ગની જરૂર હતી. અર્થતંત્ર પર અસર જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ વધતા મોંઘવારી વધે છે, જેને નિયંત્રિત કરવા સરકાર સસ્તું ક્રૂડ ખરીદવા મક્કમ છે.