World

ઊર્જા સંકટ વચ્ચે ભારતની રશિયા પાસેથી LNG ખરીદવાની તૈયારી, અમેરિકા પાસે મંજૂરી માંગ્યાના પણ અહેવાલ

By GS TEAM
27 Mar 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા લશ્કરી તણાવને કારણે હોર્મુઝની ખાડીના જળ માર્ગમાંથી પસાર થવું જોખમી થઈ ગયું છે. આ સ્થિતિમાં, ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને સુનિશ્ચિત કરવા માટે રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG)ની ખરીદી ફરી શરૂ કરવાની તૈયારી કરી છે. અહેવાલો અનુસાર, આ માટે ભારતે અમેરિકન સરકાર પાસે ખાસ મંજૂરી (વેપારી પ્રતિબંધોમાંથી મુક્તિ) પણ માંગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઊર્જા સંકટ વચ્ચે ભારતની રશિયા પાસેથી LNG ખરીદવાની તૈયારી, અમેરિકા પાસે મંજૂરી માંગ્યાના પણ અહેવાલ

India-Russia LNG Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા લશ્કરી તણાવને કારણે હોર્મુઝની ખાડીના જળ માર્ગમાંથી પસાર થવું જોખમી થઈ ગયું છે. આ સ્થિતિમાં, ભારતે પોતાની ઊર્જા જરૂરિયાતોને સુનિશ્ચિત કરવા માટે રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG)ની ખરીદી ફરી શરૂ કરવાની તૈયારી કરી છે. અહેવાલો અનુસાર, આ માટે ભારતે અમેરિકન સરકાર પાસે ખાસ મંજૂરી (વેપારી પ્રતિબંધોમાંથી મુક્તિ) પણ માંગી છે.

રશિયા સાથે ફરી વાતચીત શરૂ 

યુક્રેન સંઘર્ષ શરૂ થયો ત્યારથી ભારત અને રશિયા વચ્ચે સીધો એલએનજી પુરવઠો બંધ થઈ ગયો હતો. હવે, બંને દેશ વચ્ચે આ પુરવઠો ફરી શરૂ કરવા માટે સહમતિ સધાઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે જો ભારત આગળ વધવાનો નિર્ણય કરશે, તો આ ચર્ચા થોડા જ સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. જો કે, રશિયન ઊર્જા ક્ષેત્ર પર લાગેલા પશ્ચિમી પ્રતિબંધોને કારણે આવી વ્યવસ્થા તકનીકી રીતે પ્રતિબંધોનું ઉલ્લંઘન ગણાઈ શકે છે.

ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હીમાં 19 માર્ચે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને રશિયાના ડેપ્યુટી એનર્જી મિનિસ્ટર પાવેલ સોરોકિન વચ્ચે મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં જ એલએનજી કરારની શક્યતાઓ તપાસવા મુદ્દે સહમતિ સધાઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતે સ્થાનિક ઊર્જા આયાતકારોને પણ રશિયન એલએનજીની ખરીદી ફરી શરૂ કરવાની તૈયારીના સંકેત આપી દીધા છે.

આ પણ વાંચો: ઓઈલની સંકટ અસર: ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ કહ્યું- હજુ મુશ્કેલી વધશે

જૂના કરાર કરતાં નવો સોદો શા માટે મોંઘો?

ભારત સરકારે અમેરિકા પાસે આ પ્રતિબંધોમાંથી મુક્તિ મેળવવાની શક્યતા શોધી રહી છે. નિષ્ણાતો માને છે કે 2012માં GAIL અને રશિયાની ગેઝપ્રોમ કંપની વચ્ચે થયેલા લાંબા ગાળાના કરારની તુલનામાં હવે થનારો કોઈ પણ નવો કરાર ભારત માટે ઓછો ફાયદાકારક રહેશે. માંગની તુલનામાં પુરવઠો ઓછો હોય ત્યારે ઊર્જાના કોઈપણ સ્ત્રોતનો ભાવ વધી જ જતો હોય છે. હાલમાં ઊર્જા બજારમાં ‘seller's market’ (વેચનારનું બજાર) જેવી સ્થિતિ હોવાથી ભારતને પણ નવો કોઈપણ સોદો અગાઉ કરતાં મોંઘો જ પડવાનો છે. 

એલએનજી જ નહીં, ક્રૂડ ઓઇલની ખરીદી પણ વધી

અમેરિકા-ઈરાન તણાવને કારણે હોર્મુઝની ખાડીના જળ માર્ગે ક્રૂડ ઓઇલના પુરવઠામાં અડચણો આવી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારતે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં પહેલેથી જ ભારે વધારો કર્યો છે. આંકડા કહે છે કે, ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલા સંઘર્ષ બાદ ભારતે લગભગ 50થી 60 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી લીધું છે. અમેરિકાએ પણ વૈશ્વિક ભાવ નિયંત્રણમાં રાખવા ભારતને આ ખરીદી માટે 30 દિવસની છૂટ આપી છે.

મધ્ય-પૂર્વ સંઘર્ષે વૈશ્વિક ગેસ બજારને અસ્થિર બનાવી દીધું

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે માત્ર તેલના ભાવ જ નહીં, પરંતુ વૈશ્વિક એલએનજી બજારને પણ અસ્થિર બનાવી દીધું છે. કતાર અને યુએઈ જેવા દેશોમાં મહત્ત્વના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે, જેના કારણે ભવિષ્યમાં ગેસના ઉત્પાદન અને પુરવઠા અંગે ચિંતા વધી છે. 

ઊર્જા કટોકટી લાંબા ગાળા સુધી અસર કરશે 

નિષ્ણાતોનું માનવું છે કે સંઘર્ષમાં ક્ષતિગ્રસ્ત થયેલી સુવિધાઓને પુનઃસ્થાપિત કરવામાં ત્રણથી પાંચ વર્ષ લાગી શકે છે. આ કારણસર S & P ગ્લોબલ, ICIS જેવી કન્સલ્ટન્સી સંસ્થાઓએ તેમના વૈશ્વિક પુરવઠાના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. આ ઘટાડો લગભગ 500 એલએનજી કાર્ગો જેટલો છે, જે જાપાનની વાર્ષિક આયાતના અડધા જેટલો અથવા બાંગ્લાદેશની પાંચ વર્ષની જરૂરિયાત જેટલો થાય છે.

આ પણ વાંચો: '...તો ગ્લોબલ ઈકોનોમી ક્રેશ થઈ જશે', યુદ્ધ વચ્ચે હોર્મુઝ મુદ્દે અર્થશાસ્ત્રીની ગંભીર ચેતવણી

ભારતે વૈકલ્પિક સ્ત્રોતો શોધવા જરૂરી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારત ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારત મોટા પ્રમાણમાં એલપીજી અને એલએનજી આયાત કરે છે. તેથી હાલના સંજોગોમાં વૈકલ્પિક સ્ત્રોતોમાંથી ખરીદી વધારવી એ તેની મુખ્ય પ્રાથમિકતા છે. 

ઉલ્લેખનીય છે કે ભારત રશિયાથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(એલપીજી)ની આયાત પણ કરે છે. મુખ્યત્વે રસોઈ માટે ઉપયોગમાં લેવાતો એલપીજી નાગરિકોની મૂળભૂત જરૂરિયાતની વસ્તુ ગણાતો હોવાથી પશ્ચિમી દેશોએ તેના પર સીધા પ્રતિબંધો લાદ્યા નથી.