'ટ્રમ્પે રશિયાના યુદ્ધ મશીનને ફંડ આપતા ભારતને સજા આપી, યુરોપ ક્યારે સમજશે?', યુકેના પૂર્વ PMએ ઝેર ઓક્યું
(IMAGE - IANS) |
Former UK PM Boris Johnson on Trump additional Tariff: પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે ભારત પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તે રશિયા પાસેથી તેલ ખરીદીને 'પુતિનના ક્રૂર યુદ્ધ મશીન'ને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ સાથે જ તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાના ટેરિફ લગાવવાના નિર્ણયને પણ ખુલ્લું સમર્થન આપ્યું હતું.
અમરિકાએ ભારતીય ઉત્પાદનો પર વધારાનો 25% ટેરિફ લગાવ્યો
ટ્રમ્પે બુધવારે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર વધારાનો 25% ટેરિફ લગાવવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. આ નિર્ણય બાદ અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર લાગતો કુલ ટેરિફ હવે વધીને 50% થઈ ગયો છે.
પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસના ભારત પર આકરા પ્રહારો
પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ભારત પર લાગેલા ટેરિફ અંગે X પર લખ્યું કે, 'ડોનાલ્ડ ટ્રમ્પે એક બહાદુર, સિદ્ધાંતવાદી અને તાર્કિક પગલું ભર્યું છે. આખરે, તેમણે એવા દેશોને સજા કરી છે જે રશિયન તેલ અને ગેસ ખરીદીને પુતિનના ક્રૂર યુદ્ધ મશીનને ભંડોળ પૂરું પાડી રહ્યા હતા. બ્રિટન અને બાકીના યુરોપમાં પણ આવું કરવાની હિંમત ક્યારે આવશે?'
બોરિસ જોનસને યુરોપિયન નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, 'યુરોપિયન લોકોને ટ્રમ્પ વિશે ફરિયાદ કરવી અને એવો દાવો કરવો ગમે છે કે તેઓ રશિયા પ્રત્યે નરમ વલણ ધરાવે છે. પરંતુ ત્રણ વર્ષ પછી, આખરે ડોનાલ્ડ ટ્રમ્પ જ છે જેમણે ભારતને પુતિનના નરસંહારની કિંમત ચૂકવવા મજબૂર કર્યું છે. આ બાબતે, બ્રિટિશ વડાપ્રધાનનો શું અભિપ્રાય છે?'
ભારત પર 50% અમેરિકન ટેરિફ
જોનસનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન મોદી લંડનની મુલાકાતે હતા અને ત્યાં વર્તમાન બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે નવા કાર્યકારી આદેશમાં ભારતીય આયાત પર 25% વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, જે ગયા અઠવાડિયે લાગુ થયેલા 25% ટેરિફથી અલગ છે. જેથી ભારત પર હવે કુલ 50% અમેરિકન ટેરિફ લાગુ થશે.
ભારતનો ઝુકવાનો ઇનકાર
ભારત પર લાદવામાં આવેલ ટેરિફ 7મી ઓગસ્ટથી લાગુ થશે, જ્યારે બુદ્વારે આગુ કરવામાં આવેલ વધારાનો ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે. આ નવા નિયમ પ્રમાણે, અમેરિકન બજારમાં ભારત હવે બ્રાઝિલની સાથે સૌથી વધુ ટેરિફ ચૂકવતો દેશ બની ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયે આ પગલાને 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું અને ભારપૂર્વક કહ્યું કે, દિલ્હી તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.