પડદા પાછળ ચીનની ચાલ! ભારત વિરુદ્ધ 'ડ્રેગન'ના સેટેલાઇટનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન, રિપોર્ટમાં દાવો
India Pakistan Tension: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 હિન્દુઓના નરસંહાર પછી ભારત અને પાકિસ્તાનના સંબંધો ખરાબ થઈ ગયા છે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરો પાકિસ્તાનમાં બેઠા હોવાનું કહેવાય છે. આ દરમિયાન ભારત સરકારે સેનાને કાર્યવાહી કરવા માટે છૂટ આપી દીધી છે. ત્યારે ભારત તરફથી પાકિસ્તાન પર હુમલાનો ખતરો વધી ગયો છે. ભારતનું આક્રમક વલણ જોઈ પાકિસ્તાન ગભરાઈ જતાં હવે ચીનના શરણે ગયું છે અને ચીન પણ પાકિસ્તાનની ઘણી મદદ કરી રહ્યું છે.
આ પણ વાંચો: પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી પરેડમાં હાજરી નહીં આપે
પાકિસ્તાન સાયબરથી લઈને સમુદ્ર સુધી દરેક રીતે ભારત તરફથી હુમલાના ભયનો સામનો કરી રહ્યું છે. ત્યારે ચીન પણ તેને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. ભારત પર નજર રાખવા અને લશ્કરી સંદેશાવ્યવહારને મજબૂત બનાવવા માટે પાકિસ્તાન ચીની સેટેલાઇટનો ઉપયોગ કરી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ચીની સેટેલાઇટ ભારતની લશ્કરી પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં અને પાકિસ્તાનની વ્યૂહાત્મક ક્ષમતાઓને વધારવામાં મદદ કરી રહ્યા છે.
પાકિસ્તાન-ચીન સંબંધો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. તેને ઓલ-વેધર ફ્રેન્ડશિપ(સર્વકાલીન મિત્રતા )કહેવાય છે. પાકિસ્તાનની પોતાની પાસે સેટેલાઇટ લોન્ચ કરવાની તાકાત નથી, તેથી તે ચીન પર નિર્ભર છે. પાકિસ્તાન આ સેટેલાઇટનો ઉપયોગ ભારતની સરહદો અને લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરી રહ્યું છે.
ઉપગ્રહોનો ઉપયોગ
પાકિસ્તાન ચીન દ્વારા લોન્ચ કરાયેલા ઉપગ્રહો જેમ કે PRSS-1 (2018) અને PRSC-EO1(2025)નો ઉપયોગ કરી રહ્યું છે. આ રિમોટ સેન્સિંગ ઉપગ્રહો દિવસ અને રાતનું નિરીક્ષણ કરવામાં સક્ષમ છે. આ વાદળછાયા વાતાવરણમાં પણ કામ કરે છે. રિપોર્ટ પ્રમાણે તેનો ઉપયોગ ભારતની સરહદો અને લશ્કરી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે થઈ રહ્યો છે. આ ઉપરાંત, PAKSAT MM1 (2024) જેવા સંચાર સેટેલાઇટ પાકિસ્તાનના લશ્કરી સંદેશાવ્યવહારને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરે છે.
ભારતની ક્ષમતા
અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારત વિશ્વના અગ્રણી દેશોમાંનો એક છે. ભારત પાસે 43થી વધુ સક્રિય સેટેલાઇટ છે, જેમાંથી કેટલાકનો લશ્કરી હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે રડાર ઇમેજિંગ સેટેલાઇટ (RISAT) જે બધી હવામાન પરિસ્થિતિઓમાં દેખરેખ રાખી શકે છે. ભારતે 2016 ના સર્જિકલ સ્ટ્રાઇકમાં આ સેટેલાઇટનો ઉપયોગ કર્યો હતો.