પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી પરેડમાં હાજરી નહીં આપે
PM Modi Cancels Russia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થયો છે. તેઓ નવ મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિક્ટરી પરેડમાં સામેલ થશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે આ અંગે માહિતી આપી હતી.
પીએમ મોદીનો રશિયા પ્રવાસ રદ થવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પીએમઓ તરફથી સત્તાવાર કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જો કે, પહલગામ પર આતંકી હુમલા બાદ વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતા છે. દ્વિતિય વિશ્વયુદ્ધમાં જર્મની સામે રશિયાની જીતની 80મી વર્ષગાંઠના અવસર પર નવ મેના રોજ યોજાનારી વિજય દિવસ પરેડમાં સામેલ થવા પીએમ મોદીને આમંત્રણ મળ્યુ હતું. પરંતુ તેઓ આ પરેડમાં ઉપસ્થિત થશે નહીં.
જાન્યુઆરી, 1945માં સોવિયત સેનાએ જર્મની વિરુદ્ધ આક્રમક અભિયાન શરુ કર્યુ હતું. 9મેના રોજ કમાન્ડર-ઇન-ચીફે જર્મનીમાં શરત વિના આત્મ સમર્પણના અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી દ્વિતિય વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો. રશિયાએ પોતાના વિજય દિવસના ભાગરૂપે યુક્રેન સાથે 9 અને 10 મેના રોજ બે દિવસના સીઝફાયર કર્યા છે. ઉલ્લેખનીય છે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો સીઝફાયર માટે શાંતિ કરાર કરે તેવા પ્રયાસો અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશો કરી રહ્યા છે. પરંતુ રશિયા અને યુક્રેન અવારનવાર એકબીજા પર હુમલો કરી રહ્યા છે.