Get The App

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતાં UNના મહાસચિવ ટેન્શનમાં, ઉતાવળે જુઓ કોને કોલ કર્યા

Updated: Apr 30th, 2025

GS TEAM

Google News
Google News
Pahalgam Terror Attack


Pahalgam Terror Attack: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વધી રહ્યો છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના (UN) સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ ફોન પર વાત કરી હતી. 

યુએન સેક્રેટરી-જનરલે કરી પહલગામ હુમલાની નિંદા 

યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસે પહલગામ હુમલાની કડક નિંદા કરી અને આ કેસમાં ન્યાય અને જવાબદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે શાહબાઝ શરીફ અને જયશંકર સાથે ફોન પર આ મુદ્દા પર ચર્ચા કરી અને કાયદાકીય માધ્યમથી આ હુમલાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો.

ગુટેરેસે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાકરી હતી. આ મામલે તેમણે કહ્યું હતું, 'કોઈપણ પ્રકારની મુકાબલાની પરિસ્થિતિ ટાળવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેના ગંભીર પરિણામો આવી શકે છે.' આ સાથે જ તેમણે વર્તમાન તણાવ ઘટાડવાના કોઈપણ પ્રયાસમાં મદદ કરવાની તૈયારી દર્શાવી.

વિદેશ મંત્રી જયશંકરે X પર આપી જાણકારી 

આ વાતચીત પછી, વિદેશ મંત્રી જયશંકરે X પર પોસ્ટ કર્યું કે, 'સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ગુટેરેસ સાથે ફોન પર વાત થઇ. તેમણે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તેમણે સ્પષ્ટ નિંદા કરી તે બદલ હું તેમની પ્રશંસા કરું છું. આ ઘટનામાં, જવાબદારી સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર સર્વસંમતિ હતી. ભારત પ્રતિબદ્ધ છે કે આ હુમલાના કાવતરાખોરો, સમર્થકો અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.'

શાહબાઝ શરીફે પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના આરોપો ફગાવ્યા

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, 'અમે આજે સાંજે યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસ સાથે ટેલિફોન પર વાતચીત કરી. અમે તમામ સ્વરૂપોમાં આતંકવાદની નિંદા કરીએ છીએ અને ભારતના પાયાવિહોણા આરોપોને નકારી કાઢીએ છીએ અને પહલગામ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરીએ છીએ.'

આ પણ વાંચો: સ્વિડનના ઉપ્સાલામાં અંધાધૂંધ ગોળીબાર, હેર સલૂનમાં મચી અફરાતફરી, 3 લોકોના મોત

યુએન સેક્રેટરી જનરલ સાથેની વાતચીત દરમિયાન, શાહબાઝ શરીફે પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના આરોપોને ફગાવી દીધા. આ સાથે, શરીફે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર જમ્મુ અને કાશ્મીર વિવાદના ઉકેલમાં ભૂમિકા ભજવવા માટે યુએનને વિનંતી કરી.

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધતાં UNના મહાસચિવ ટેન્શનમાં, ઉતાવળે જુઓ કોને કોલ કર્યા 2 - image
Tags :