કોરોના સંક્રમણનાં મામલે ભારત હવે રશિયાથી પણ આગળ વધીને ત્રીજા સ્થાને
અમેરિકા અને બ્રાઝિલમાં ભારત કરતા પણ વધારે કેસ છે
નવી દિલ્હી, 5 જુલાઇ 2020 રવિવાર
ભારતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હવે રશિયાને પાછળ રાખતા ચેપના મામલામાં ભારત ત્રીજા સ્થાન પર આવ્યું છે. અમેરિકા અને બ્રાઝિલમાં પણ ભારત કરતા પણ વધારે કેસ છે. આરોગ્ય મંત્રાલયના સવારે 8 વાગ્યાના આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ 6,73,165 કેસ નોંધાયા છે અને 19286 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ દિવસોમાં એક જ દિવસમાં 20 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જોકે, મંત્રાલયનું કહેવું છે કે પ્રતિ મિલિયન વસ્તી અનુસાર ચેપનો દર ઓછો છે અને પુન રિકવરી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે. રવિવારે જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાનો રિકવરી રેટ 60.76 ટકા થઈ ગયો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે એક્ટિવ કેસમાંથી રિકવર થયેલા કેસોની સંખ્યા 1,64,268 છે. છેલ્લા 24 કલાકમાં, 14,856 દર્દીઓ કોરોના મુક્ત થઇ ગયા. મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો રિકવરી રેટ વધ્યો તે તેમના સારા પ્રયત્નો સૂચવે છે.
અમેરિકાની વાત કરીએ તો અત્યાર સુધી અહીં 2,953,014 કેસ નોંધાઇ ચુક્યા છે અને 1 લાખ 32 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. એ જ રીતે, બ્રાઝિલમાં, 1,578,376 લોકો સંક્રમણનાં શિકાર થયા છે અને 64,365 લોકો મૃત્યુ પામ્યા છે.