ભારત વિરોધી નેપાળનાં PMની ખુરશી જોખમમાં, ઓલીએ ભારત પર ષડયંત્રનો આરોપ લગાવ્યો
કાઠમંડુ, 28 જુન 2020 રવિવાર
નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીની ખુરશી હવે જોખમમાં છે. વડા પ્રધાન ઓલી હવે સત્તાધારી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીમાં તેમના વિરૂધ્ધ મચેલા ઘમાસાણ અને દેશમાં સરકાર વિરુદ્ધ વધી રહેલા આક્રોશથી ધ્યાન હટાવવા માટે ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે પોતાની પાર્ટીમાં થયેલા ઘમાસાણ અંગે ઈશારા-ઇશારામાં ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, એક દૂતાવાસ મારી સરકાર વિરુદ્ધ એક હોટલમાં કાવતરું ઘડી રહ્યું છે.
મદન ભંડારીની 69 મી જન્મજયંતિ પ્રસંગે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું હતું કે ભલે તેમને પદ પરથી હટાવવાની રમત શરૂ થઇ હોય પણ તે અશક્ય છે. વડા પ્રધાન ઓલીએ દાવો કર્યો હતો કે કાઠમાંડુની એક હોટલમાં તેમને હટાવવા માટે બેઠકો યોજાઇ રહી છે અને એક દૂતાવાસ પણ તેમાં સક્રિય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઓલીનો ઈશારો ભારત તરફ છે.
વડા પ્રધાન કેપી શર્મા ઓલીની પાર્ટી હવે તુટવાને આરે પહોંચી ગઇ છે. નેપાળની શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' એ પીએમ ઓલીની ટીકા કર્યા બાદ હવે રાજીનામાની માંગ કરી છે. પ્રચંડએ ઓલીને ચેતવણી આપતા કહ્યું છે કે જો વડા પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ પાર્ટી તોડી નાખશે.
તેમણે દાવો કર્યો હતો કે બંધારણ સુધારા બાદ ભારતીય ભૂમિને નેપાળી નકશામાં દર્શાવ્યા બાદ તેમની વિરૂધ્ધ કાવતરાં કરવામાં આવી રહ્યા છે. મને પદ પરથી દૂર કરવાની ખુલ્લી રેસ થઇ રહી છે. ઓલીએ કહ્યું કે નેપાળની રાષ્ટ્રીયતા નબળી નથી. કોઈએ વિચાર્યું ન હતું કે નકશા છાપવા માટે કોઈ વડા પ્રધાનને પદ પરથી હટાવવામાં આવશે.
પ્રચંડએ દાવો કર્યો કે વડાપ્રધાન ઓલી પોતાની ખુરશી બચાવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે ઓલી વડા પ્રધાનની ખુરશી માટે નેપાળી સેનાની મદદ લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે સાંભળ્યું છે કે વડા પ્રધાન ઓલી સત્તામાં રહેવા માટે પાકિસ્તાની, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશી મોડેલ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આવા પ્રયાસો નેપાળમાં સફળ નહીં થાય.
કમ્યુનિસ્ટ પાર્ટીની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં બેઠકમાં મોટાભાગના સભ્યોએ પીએમ ઓલીના રાજીનામાની માંગ કરી છે. તો ઓલીએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. બેઠક દરમિયાન બંને નેતાઓએ એકબીજા પર ઉગ્ર આક્ષેપો કર્યા છે. પ્રચંડએ સરકારની નિષ્ફળતાની વાત કરી, તો ઓલીએ કહ્યું હતું કે પ્રચંડએ પાર્ટીને બરબાદ કરી દીધી છે.