Get The App

અમેરિકાના દબાણમાં આવી ગયું ભારત? રશિયા પાસેથી થતી આયાતમાં એકઝાટકે 40%નો ઘટાડો

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
India-Russia Merchandise Import


(AI IMAGE)

India-Russia Merchandise Import: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફની અસર હવે આંકડાઓમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. સોમવારે જાહેર થયેલા તાજા ડેટા મુજબ, જાન્યુઆરી 2026માં રશિયાથી ભારતની આયાતમાં 40.48%નો મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં રશિયાથી આયાત અંદાજે 4.81 બિલિયન ડોલર હતી, જે હવે ઘટીને માત્ર 2.86 બિલિયન ડોલર રહી ગઈ છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયન કાચા તેલની ખરીદીમાં કરવામાં આવેલો જંગી કાપ છે.

ભારતની કુલ રશિયન આયાતમાં 80% હિસ્સો માત્ર ક્રૂડ ઓઈલનો

ભારત રશિયા પાસેથી જે આયાત કરે છે તેમાં 80% હિસ્સો માત્ર કાચા તેલનો હોય છે. એપ્રિલ 2025માં જ્યારે ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી, ત્યારે અમેરિકાએ ભારત પર દબાણ વધારવા માટે રશિયન તેલ ખરીદવા બદલ દંડ તરીકે 25% અને વધારાના 25% એમ કુલ 50% ટેરિફ વસૂલવાનું શરૂ કર્યું હતું. જોકે, તાજેતરમાં બંને દેશો વચ્ચે વચગાળાની સમજૂતી થયા બાદ આ ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ત્યાં સુધીમાં ભારતીય કંપનીઓએ રશિયન તેલથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. ભારતની સૌથી મોટી પ્રાઈવેટ રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને જાન્યુઆરીમાં રશિયન તેલની કોઈ ડિલિવરીની અપેક્ષા નથી.

આ પણ વાંચો: ટ્રમ્પ ઈરાનમાં તબાહી મચાવવા તૈયાર! વાતચીત વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં 50 ફાઈટર જેટ મોકલ્યા

રશિયાને બદલે હવે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની તૈયારી

આ બદલાતા સમીકરણો વચ્ચે હવે ભારત તેલ માટે વેનેઝુએલા તરફ નજર દોડાવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય રિફાઇનરીઓ રશિયન તેલના બદલે હવે વેનેઝુએલાનું સસ્તું તેલ ખરીદવા માટે અમેરિકાની ઓફર પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ 31 જાન્યુઆરીએ સંકેત આપ્યો હતો કે ભારત હવે વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી કરશે. આગામી સમયમાં રશિયા પરની નિર્ભરતા હજુ ઓછી થાય અને ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે નવા બજારો શોધે તેવી પૂરેપૂરી શક્યતા છે.

અમેરિકાના દબાણમાં આવી ગયું ભારત? રશિયા પાસેથી થતી આયાતમાં એકઝાટકે 40%નો ઘટાડો 2 - image