'ભારત ટ્રેડ ડીલ અંગે સરખી રીતે વાત નથી કરતું...' અમેરિકાના નાણા મંત્રીનો ગંભીર આરોપ
US India Trade Deal: ભારત પર ટેરિફ અને પેનલ્ટી લાદવાના આકરા વલણ વચ્ચે અમેરિકાના સેક્રેટરી ઓફ ધ ટ્રેઝરી (નાણા મંત્રી) સ્કોટ બેસન્ટે ભારતે પર વધુ એક આરોપ મૂક્યો છે. તેમણે ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે સરખી રીતે વાત કરતુ ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે, આ ટેરિફ લાદવા પાછળનું કારણ ભારતનો રશિયા સાથે વેપાર છે. વિશ્વની મહાસત્તાના પ્રતિબંધો અને ઈનકાર કરવા છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ સહિતના વેપાર સંબંધો જાળવી રહ્યું છે.
સ્કોટ બેસન્ટે મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમેરિકા સાથે ચાલી રહેલી ટ્રેડ ડીલમાં ભારત નરમ વલણ અપનાવી રહ્યું છે. અમારો લક્ષ્ય ઓક્ટોબર સુધી મોટા વેપાર કરાર પૂર્ણ કરવાના છે. તમામ ટોચના દેશો સાથે સચોટ શરતો પર સહમતિ મેળવવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, ભારત અમેરિકાની ડેરી અને કૃષિ ક્ષેત્રની માગનો સ્વીકાર કરી રહ્યું નથી. જેથી બંને દેશોની ટ્રેડ ડીલ અટવાઈ છે. અમેરિકા કૃષિ અને ડેરી ક્ષેત્રે મોકળુ બજાર આપવાની માગ કરી રહ્યું છે. જો કે, ભારતે પોતાના રાષ્ટ્રના હિત માટે આ માગ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
ભારત-અમેરિકા વચ્ચે તણાવ
પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીમાં સીઝફાયર કરાવવાનો શ્રેય ટ્રમ્પ પોતાના શિરે લઈ રહ્યા છે. જો કે, ભારત પહેલાંથી જ તેનો ઈનકાર કરતું આવ્યું છે કે, સીઝફાયરમાં કોઈ ત્રીજા દેશની મદદ લેવામાં આવી નથી. જેથી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ખટાશ શરૂ થઈ હતી. બીજી તરફ રશિયા સાથે ક્રૂડ વેપાર ન કરવાની ભલામણ આપી હોવા છતાં ભારત રશિયા પાસેથી ક્રૂડ સહિતના વેપાર કરી રહ્યું છે. જેથી ટ્રમ્પ રોષે ભરાયા હતા. ટ્રમ્પે 1 ઓગસ્ટના રોજ ભારત પર 25 ટકા ટેરિફ વત્તા રશિયા સાથે વેપાર કરવા પર પેનલ્ટી લાદી હતી. જેનો અમલ 7 ઓગસ્ટથી શરૂ થયો છે. ત્યારબાદ થોડા દિવસમાં ટ્રમ્પે ફરી વધુ 25 ટકાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જે 27 ઓગસ્ટથી લાગુ થશે.
PM મોદી આગામી મહિને અમેરિકા જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. UNGA ની આ બેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન મોદીની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત નિશ્ચિત માનવામાં આવે છે.