'આ અમેરિકાના ઈતિહાસનું સૌથી મૂર્ખતાપૂર્ણ પગલું...' ટોચના અર્થશાસ્ત્રી ટ્રમ્પના ટેરિફ મુદ્દે બગડ્યાં
USA Economist Slams Trump's Tariff Policy: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીની વધુ એક અર્થશાસ્ત્રીએ ટીકા કરી છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી અને યુએનના પૂર્વ સલાહકાર જેફરી સાસે ટ્રમ્પના ટેરિફને અમેરિકાના ઈતિહાસનું અત્યંત મૂર્ખતાભર્યું પગલું ગણાવ્યું છે.
ભારત પર ટેરિફ બાદ બ્રિક્સ એકજૂટ
ટ્રમ્પ વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદી અમેરિકા ફર્સ્ટ નીતિને વેગ આપી રહ્યા હોવાના વખાણ કરી રહ્યા છે. જો કે, તેમની જ સરકારના અમુક અધિકારીઓ અને અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ટેરિફ નીતિની આકરી ટીકા કરી રહ્યા છે. જેફરી સાસે રશિયન ક્રૂડ ખરીદવા બદલ ભારત પર લાદેલા 25 ટકા વધારાના ટેરિફના નિર્ણયની પણ નિંદા કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ પગલું અમેરિકા પર જ ભારે પડશે. કારણકે, ટ્રમ્પના આ પગલાંથી રાતોરાત બ્રિક્સ જૂથના દેશો એકજૂટ થઈ ગયા છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સંબંધો ગાઢ બન્યા છે. જે અમેરિકા માટે જોખમી બની શકે છે.
ટ્રમ્પના ટેરિફથી ભારતે લીધો બોધપાઠ
જેફરી સાસે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખના તાજેતરના નિર્ણયોના કારણે ભારતનો વિશ્વાસ તૂટ્યો છે. જેની અસરો વ્યૂહાત્મક અને લાંબા ગાળા સુધી રહેશે. ભારત એક એવો દેશ છે, જે અમેરિકાને પ્રોત્સાહન આપી રહ્યું છે. પરંતુ ટ્રમ્પે તેના પર જ ટેરિફ લાદી ભારતનો વિશ્વાસ તોડી દીધો છે. હવે ટ્રમ્પ ટેરિફ દૂર કરવાનો નિર્ણય લે તો પણ તે ભારતનો વિશ્વાસ પાછો મેળવી શકશે નહીં.
લિંડસે ગ્રાહમ સૌથી ખરાબ સિનેટર
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર આકરા પ્રહારો કરનારા અમેરિકાની સિનેટર લિંડસે ગ્રાહમની પણ જેફરીએ ટીકા કરી હતી. તેમણે લિંડ્સે ગ્રાહમને અમેરિકા સિનેટના સૌથી ખરાબ સિનેટર ગણાવ્યા છે. અલાસ્કામાં હાલમાં જ ટ્રમ્પ-પુતિન સમિટ મામલે નિવેદન આપતાં ગ્રાહમે ભારત પર નફાખોરીનો આક્ષેપ કરતાં દાવો કર્યો હતો કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકીના કારણે રશિયાના પ્રમુખ અલાસ્કા ટ્રમ્પને મળવા રાજી થયા હતા.