India EU Free Trade Deal: અમેરિકા એક તરફ ભારતનું શુભેચ્છક હોવાનો દાવો કરે છે બીજી તરફ સમય સમય પોતાનો સાચું રૂપ દેખાડે છે. આજે ભારત અને યુરોપિયન યુનિયને ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. 'મધર ઓફ ઓલ ડીલ' એટલે કે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મુદ્દે સંમતિ સધાઈ ચૂકી છે. આવતીકાલે 27 જાન્યુઆરી 2026ના રોજ સત્તાવાર ઘોષણા થવા જઇ રહી છે તેવામાં ભારત સાથેની ટ્રેડ ડીલ પર અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે.
'અંદાજો લગાવો કે છેલ્લા સપ્તાહમાં શું થયું?'
ડોનાલ્ડ ટ્રમ્પના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે ભડકેલા અંદાજમાં કહ્યું છે કે એક તરફ અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદી આડકતરી રીતે યુદ્ધમાં સપોર્ટ કરતાં ભારત પર 25 ટકા વધુ ટેરિફ લગાવ્યો છે, તેવામાં યુરોપિયન યુનિયન ભારત સાથે વેપાર સોદો કરી રહ્યું છે. યુરોપિયન દેશ પોતાના જ સામે યુદ્ધનું ફંડીગ કરી રહ્યું છે આ બધુ રશિયાના તેલના માધ્યમ થકી થઈ રહ્યું છે. સ્કોટ બેસેન્ટે વધુમાં કહ્યું કે અમે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે 25 ટકા વધારાનો ટેરિફ લગાવ્યો, તમે અંદાજો લગાવો કે છેલ્લા સપ્તાહમાં શું થયું? યુરોપિયન યુનિયને ભારત સાથે ટ્રેડ ડીલ પર સહી કરી લીધી
અમેરિકા ભારત વચ્ચેની ટ્રેડ ડીલ પર ધીમી ગતિએ કામ
જો કે ભારતે ક્હ્યું છે કે ટ્રેડ ડીલ પર હજુ સુધી કોઈ સહી થઈ નથી, બંને પક્ષ તરફથી વેપાર કરારને અંતિમ રૂપ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, રશિયા સાથે તેલ વેપારનું બહાનું કરી અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવી દીધો છે. જેથી બંને દેશ વચ્ચે થનારી ટ્રેડ ડીલને માઠી અસર પડતાં હવે તેના પર ગોકળ ગતિએ કામ થઈ રહ્યું છે. આ વચ્ચે યુરોપિયન યુનિયન સાથે ભારતની 'મધર ઓફ ઓલ ડીલ' અમેરિકાને 440 વૉલ્ટનો તગડો ઝટકો આપ્યો છે.
વેપાર કરાર સંતુલિત અને ભવિષ્યલક્ષી
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે આજે સોમવારે જાણકારી આપતા ક્હ્યું કે, ભારત અને યુરોપિયન યુનિયન (EU)એ પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) માટે તેમની વાતચીત સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે, ભારતના દ્રષ્ટિકોણથી આ વેપાર કરાર સંતુલિત અને ભવિષ્યલક્ષી છે, જે યુરોપિયન યુનિયન સાથે ભારતના વધુ સારા આર્થિક સંબંધોના એકીકરણમાં મદદ કરશે.
આ પણ વાંચો: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 'મધર ઓફ ઓલ ડીલ' પર સંમતિ સધાઈ, જાણો લોકોને શું થશે ફાયદો?
આવતા વર્ષે અમલની શક્યતા
અગ્રવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ કરારથી બંને અર્થતંત્રોમાં વેપાર અને રોકાણને નવી ગતિ મળશે. આ ડ્રાફ્ટ કરાર હાલમાં કાનૂની ચકાસણી હેઠળ છે. સરકારનો ઉદ્દેશ્ય આ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવાનો અને કરાર પર સહી કરી તેને લાગુ કરવાનો છે. જે આવતા વર્ષની શરૂઆતમાં અમલમાં આવી શકે છે. કરારના અમલીકરણમાં સમય લાગશે, કારણ કે તેને યુરોપિયન સંસદની મંજૂરીની જરૂર છે. જ્યારે ભારતમાં ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી જરૂરી છે. આ કરાર 2007માં શરૂ થયેલી 18 વર્ષની વાતચીત બાદ પૂર્ણ થયો છે.


