India and European Union FTA: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીતનો અંતિમ તબ્બકો આજે પૂર્ણ થયો છે. સંમતિ સધાઈ જતાં આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.બંને તરફથી આ કરારને 'મધર ઓફ ઓલ ડીલ' ગણાવવા આવી રહ્યો છે. જેનાથી ભારત અને યુરોપના દેશો વચ્ચેના આર્થિક સંબંધોમાં ક્રાંતિકારી ફેરફાર આવવાની આશા બંધાઈ છે.
આવતીકાલે ઐતિહાસિક જાહેરાતની શક્યતા
છેલ્લા 18 વર્ષથી ચાલી રહેલી મુક્ત વેપાર કરાર (FTA)ની વાટાઘાટો બાદ 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી ભારત-EU સમિટ દરમિયાન આ ઐતિહાસિક કરારની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાનો યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા ખાસ ભારતની મુલાકાતે છે. પ્રવાસના છેલ્લા દિવસે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થઈ શકે છે. હાલમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 191 અરબ ડોલર છે જેને 2030 સુધીમાં 500 અરબ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય મૂકવામાં આવશે.
લક્ઝરી કારના ભાવમાં થશે ઘટાડો
મધર ઓફ ઓલ ડીલ'ની સૌથી મોટી અસર ઓટોમોબાઈલ સેક્ટર પર પડશે. રિપોર્ટ્સ મુજબ, ભારત યુરોપથી આયાત થતી મોંઘી લક્ઝરી કાર પરની આયાત જકાત (Import Duty) 110 ટકા થી ઘટાડીને 40 ટકા સુધી કરી શકે છે. જેનાથી મર્સિડીઝ, BMW અને ઓડી જેવી લક્ઝરી કારના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. આ સિવાય યુરોપિયન વાઈન, ચોકલેટ તેમજ પ્રીમિયમ ઈલેક્ટ્રોનિક સામાન પણ સસ્તો થઈ શકે છે.
રોજગારી અને નિકાસમાં વધારો
ભારતીય નિકાસકારો માટે ટેક્સટાઈલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં યુરોપના બજારો ખુલશે. તેનાથી ભારતમાં લાખો નવી રોજગારીની તકો ઊભી થવાની આશા છે. IT સેક્ટર, નર્સ અને શેફ તરીકે કામ કરનારાને યુરોપ જઈને કામ કરવું સરળ બનશે. સરળ વિઝા પ્રક્રિયા અને વર્ક પરમિટ મોડ 4ની ભારતે માગ કરી છે જેથી મધ્યમ વર્ગની આવકમાં પણ મોટો વધારો થવાના સંકેત છે. જો કે, યુરોપિયન યુનિયન આ મુદ્દે સતર્કતા દાખવી રહ્યું છે.
2 અબજ લોકોનું વિશાળ બજાર
ભારત અને EU વચ્ચે FTA માટેની વાતચીત 2007માં શરૂ થઈ હતી, પરંતુ 2013માં મતભેદોને કારણે અટકી પડી હતી. 2022માં ફરી શરૂ થયેલી આ પ્રક્રિયા હવે 18 વર્ષ બાદ તેના તાર્કિક અંત સુધી પહોંચી છે. આ કરાર અમલમાં આવતાની સાથે જ ભારત અને યુરોપ વચ્ચે 2 અબજ ગ્રાહકોનું એક કોમન માર્કેટ તૈયાર થશે, જે વૈશ્વિક જીડીપીમાં 25 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
નિકાસ ક્ષેત્ર માટે 'સુપર ડીલ'
આ અગાઉ પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ વેપાર કરાર ભારતીય નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ભારત અને EU એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પણ પૂરક છે. બંને વચ્ચે વસ્તુઓ તથા સેવાઓનો વ્યાપાર ખૂબ જ સંતુલિત છે, જે આ કરારને વધુ મજબૂત બનાવે છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતો માને છે કે આ કરાર માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતની વધતી આર્થિક તાકાતનો પુરાવો છે. ચીન પરની નિર્ભરતા ઘટાડવા માંગતા યુરોપ માટે ભારત હવે સૌથી ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. જો કે, હજુ પણ કાર્બન ટેક્સ એડસ્ટમેન્ટ મેકેનિજ્મ (CBAM) જેવા કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર અંતિમ ચર્ચા ચાલી રહી છે, પરંતુ બંને પક્ષો સકારાત્મક પરિણામ આવશે તેવું લાગી રહ્યું છે. આ કરાર ભારતને વૈશ્વિક સપ્લાય ચેઈનનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં અને 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદગાર સાબિત થશે.
ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાદાઓ પર પાણી
આ ડીલનો સમય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેના કારણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અટકી પડી છે. ટ્રમ્પની આકરી નીતિઓ વચ્ચે યુરોપિયન યુનિયન સાથેની આ ડીલ ભારત માટે એક મજબૂત વિકલ્પ સાબિત થશે. આ ડીલથી ટ્રમ્પના ભારત પર દબાણ બનાવવાની આશા પર પાણી ફરી વળશે તેવો સ્પષ્ટ સંકેત છે.


