'પાકિસ્તાન બેલઆઉટ પેકેજ લઈને ટેરર ફંડિંગ કરે છે', ભારતે IMFના મતદાનમાં ભાગ ન લીધો
India On IMF : અમેરિકાના વોશિંગટનમાં આજે શુક્રવારે (9 મે, 2025) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, ભારતે આ અંગે મતદાનથી દૂર રહીને વિરોધ કર્યો છે. ભારતે બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયથી આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ મળે છે. આ સિવાય ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને વારંવાર નાણાકીય સહાય આપવાને લીધે તે IMF માટે 'too-big-to-fail' દેવાદાર બની ગયું છે.
IMF તરફથી પાકિસ્તાનને પ્રસ્તાવિત 1.3 બિલિયન ડોલરના બેલઆઉટ પેકેજ પર મતદાન કરવાથી ભારત દૂર રહ્યું છે. ભારતે આ પાછળનું કારણ ઇસ્લામાબાદના 'નાણાકીય સહાયના ઉપયોગમાં નબળા રેકોર્ડ'ને ગણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે તેવા સમયે આ પ્રકારનો નિર્ણય સામે આવ્યો છે.
વોશિંગ્ટનમાં આજે 9 મેના રોજ થયેલી IMF બોર્ડની બેઠકમાં ભારતે પાકિસ્તાનની તરફથી વારંવાર IMFની સહાયતો સહાયતા કરવાની શરતોને પૂર્ણ કરવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને IMF સહાય આપવામાં રાજકીય પરિબળો પણ ભૂમિકા ભજવે છે.
મળતી માહિતી મુજબ, ભારતે એ પણ કહ્યું કે પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય તેની ગુપ્તચર એજન્સીઓ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ કરે છે, જે ભારત પર હુમલાઓ કરી રહ્યા છે. ભારતે IMFના મતદાનમાં ભાગ લીધો નથી, ત્યારે IMF અને અન્ય બહુપક્ષીય નાણાકીય સંસ્થાઓને સંદેશ આપતું જોવા મળી હતું કે, નક્કર પગલાં લીધા વિના પાકિસ્તાનને નાણાકીય સહાય આપવી એ પ્રાદેશિક સુરક્ષા માટે ખતરનાક બની શકે છે.