જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

India-Pakistan Tension: પાકિસ્તાન વધુ એક વખત પોતાની નાપાક હરકતો કરતું નજરે પડી રહ્યું છે. પાકિસ્તાને ગઈકાલ(8 મે)ની માફક આજે(9 મે)ની રાત્રે પણ જમ્મુ, પોખરણ સહિતના સરહદ વિસ્તારમાં સતત ગોળીબાર અને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યાના સમાચાર મળી રહ્યા છે. જોકે ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ ડ્રોન તોડી પડાયા હોવાની પણ માહિતી મળી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, સાંબા, પૂંછ, ઉધમપુર, ફિરોઝપુર, જલંધર અને પોખરણમાં બ્લેકઆઉટ કરાયું હોવાની પણ માહિતી મળી રહી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે.
Latest Updates
આગામી થોડા કલાકો સુધી રસ્તાઓથી દૂર રહો, ઘરે રહો: ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર લખ્યું કે, 'જમ્મુમાં બ્લેકઆઉટ કરાયું છે. આખા શહેરમાં સાયરન સંભળાઈ છે. હું જ્યાં છું ત્યાંથી હવે ધડાકાના અવાજો સંભળાઈ રહ્યા છે.' અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે, 'જમ્મુ અને તેની આસપાસના તમામ રહેવાસીઓને મારી અપીલ છે કે કૃપા કરીને આગામી થોડા કલાકો સુધી રસ્તાઓથી દૂર રહો, ઘરે રહો અથવા નજીકના સ્થળે રહો જ્યાં તમે આરામથી રહી શકો. અફવાઓને અવગણો, અપ્રમાણિત કે અપ્રમાણિત વાર્તાઓ ફેલાવશો નહીં અને આપણે સાથે મળીને આનો સામનો કરીશું.'
ભારતે મિસાઈલો કરી તૈનાત
ભારતીય શહેરો પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ભારતે બરાક-8 મિસાઇલો, S-400 સિસ્ટમ, આકાશ મિસાઇલો તૈનાત કરી છે.
જમ્મુમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા
સમાચાર મળી રહ્યા છે કે, જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે અને સાયરન સંભળાયા. જમ્મુમાં ભારતીય વાયુસેનાએ બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા.
સાંબામાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા
સમાચાર મળી રહ્યા છે કે, જમ્મુ કાશ્મીરના સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ભારતના એર ડિફેન્સ સ્ટાફે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. આ દરમિયાન સાંબામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા.
જમ્મુના ઉધમપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ
જમ્મુ ડિવિઝનના ઉધમપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું અને સાયરન સંભળાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
જમ્મુના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ
જમ્મુ ડિવિઝનના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું અને સાયરન સંભળાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
પંજાબના ફિરોઝપુરમાં બ્લેકઆઉટ
પંજાબના ફિરોઝપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. અહીં સાયરન અને વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.