| (IMAGE - IANS) |
US Pentagon Report: અમેરિકન સંરક્ષણ મંત્રાલયે(પેન્ટાગોન) વર્ષ 2025ના તેના વાર્ષિક અહેવાલમાં ચીનની સૈન્ય ગતિવિધિઓને લઈને ભારત માટે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ચીન વચ્ચે ભલે LAC પર સેના પાછળ હટાવવા અંગે સહમતિ બની હોય, પરંતુ ચીનનો અસલી ઇરાદો કંઈક અલગ જ છે.
ભારત-અમેરિકાની દોસ્તી તોડવી એ ચીનનું મુખ્ય લક્ષ્ય
પેન્ટાગોનના રિપોર્ટ મુજબ, ચીન ભારત સાથે સરહદ પર તણાવ ઓછો કરવાનું નાટક કરી રહ્યું છે જેથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો મજબૂત ન થાય. ચીન ઇચ્છે છે કે ભારત અમેરિકાની નજીક ન જાય. ઑક્ટોબર 2024માં ગ્રાઉન્ડ લેવલ પર સેનાઓ પાછળ હટી હોવા છતાં, બંને દેશો વચ્ચે 'ભરોસાની ભારે અછત' હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
અરુણાચલ પ્રદેશ: ચીન માટે 'નો-કોમ્પ્રોમાઇઝ' ઝોન
રિપોર્ટમાં એક ચોંકાવનારો ઉલ્લેખ એ છે કે ચીન અરુણાચલ પ્રદેશને તાઈવાન અને દક્ષિણ ચીન સાગરની જેમ પોતાનું 'કોર ઇન્ટરેસ્ટ' માને છે. ચીન માટે આ એક એવો મુદ્દો છે જેના પર તે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા તૈયાર નથી, જે સીધી રીતે ભારતની સંપ્રભુતા માટે પડકાર છે.
પાકિસ્તાન બનશે ચીનનું સૈન્ય હથિયાર?
ચીન અને પાકિસ્તાન વચ્ચેની વધતી જતી સૈન્ય નજદીકી ભારત માટે ગંભીર સુરક્ષા પડકાર ઊભો કરી રહી છે. પેન્ટાગોનના અહેવાલ મુજબ, ચીન વ્યૂહાત્મક રીતે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ એક સજ્જ હથિયાર તરીકે તૈયાર કરી રહ્યું છે, જેમાં સૌથી મહત્ત્વનું પાસું અત્યાધુનિક યુદ્ધવિમાનોની આપ-લે છે. વર્ષ 2020થી અત્યાર સુધીમાં ચીને પાકિસ્તાનને 36 જેટલા આધુનિક J-10C લડાયક વિમાનો સોંપ્યા છે, જે પાકિસ્તાની વાયુસેનાની આક્રમક ક્ષમતામાં મોટો વધારો કરે છે. આ ઉપરાંત, બંને દેશો 'JF-17' ફાઇટર જેટનું સંયુક્ત રીતે ઉત્પાદન કરીને તેમના સૈન્ય સંબંધોને વધુ ગાઢ બનાવી રહ્યા છે. માત્ર આકાશમાં જ નહીં, પણ સમુદ્ર અને જમીન પર પણ ચીન પાકિસ્તાનને ડ્રોન અને નૌકાદળના અદ્યતન જહાજો પૂરા પાડી રહ્યું છે. આ સૈન્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ડિસેમ્બર 2024માં બંને સેનાઓએ આતંકવાદ વિરોધી સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ યોજ્યો હતો, જે ભારતની પશ્ચિમી અને ઉત્તરી સરહદો પર ચીનના વધતા પ્રભાવનો સંકેત આપે છે.
આ પણ વાંચો: ઓક્સફોર્ડની ડિબેટમાં ભારતીય વિદ્યાર્થીએ પાકિસ્તાનના મંત્રીના દીકરાની બરાબરની કરી ફજેતી
પાકિસ્તાનમાં ચીની સૈન્ય મથકોની આશંકા
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ભવિષ્યમાં પાકિસ્તાન ચીની સૈન્ય મથકોનું ઘર બની શકે છે. જો આવું થશે, તો ચીની સેના ભારતની સરહદની અત્યંત નજીક પહોંચી જશે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે ચીનનું 'વેસ્ટર્ન થિયેટર કમાન્ડ' સતત ઊંચાઈવાળા વિસ્તારોમાં પહાડી યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.
ભારત માટે શું છે સંદેશ?
આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે ભારત સરકારે LAC પર શાંતિ હોવા છતાં ચીનની 'ડબલ ગેમ'થી સાવધ રહેવાની જરૂર છે. એક તરફ ચીન સંબંધો સામાન્ય રાખવાની વાત કરે છે, તો બીજી તરફ પાકિસ્તાનને મજબૂત કરી ભારત પર દબાણ વધારી રહ્યું છે. નિષ્ણાતોના મતે, ભારતે પોતાની સંરક્ષણ તૈયારીઓ વધુ તેજ કરવી પડશે.


