ભારતે પાકિસ્તાન-રશિયા-ચીન સાથે સૂર પરોવ્યાં, અમેરિકાને કહી દીધું કે તમારી આ વાત ખોટી..
Afghan peace process: અમેરિકાની અફઘાન નીતિ ફરી એકવાર વૈશ્વિક વિવાદમાં ફસાઈ ગઈ છે. મુખ્ય એશિયન શક્તિઓ હવે તેમની જૂની સામ્રાજ્યવાદી રમત સામે એક થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે તાલિબાન પર અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોને ફરીથી તૈનાત કરવા અને બગરામ એરબેઝ અમેરિકાને પરત કરવા દબાણ કરી રહ્યા છે, ત્યારે ભારત સહિત એશિયન દેશોએ આ વાતનો ઇનકાર કર્યો છે. ભારતે રશિયા, ચીન, ઈરાન અને મધ્ય એશિયાઈ દેશો સાથે મળીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, અફઘાન ભૂમિ હવે કોઈપણ વિદેશી શક્તિ માટે લશ્કરી થાણા તરીકે કામ નહીં કરે.
ભારતે કર્યો વિરોધ
મંગળવારે (7 ઓક્ટોબર) ભારતે રશિયા, ચીન, ઈરાન અને સાત અન્ય દેશો સાથે મળીને અફઘાનિસ્તાનમાં કોઈપણ વિદેશી લશ્કરી માળખાગત સુવિધાઓની તૈનાતીનો વિરોધ કર્યો. આ વલણ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં તાલિબાન શાસનને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બગરામ એરબેઝ અમેરિકાને સોંપવા કહ્યું હતું.
આ પણ વાંચોઃ પાકિસ્તાન પર મહેરબાન ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા હવે ખતરનાક મિસાઈલ વેચવાની તૈયારીમાં
અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ પર ચર્ચા
હાલમાં જ મોસ્કો ફોર્મેટ બેઠકમાં, આ દેશોએ અફઘાનિસ્તાનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ પર વ્યાપક ચર્ચા કરી હતી. બેઠકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાન અથવા તેના પડોશી દેશોમાં કોઈપણ વિદેશી લશ્કરી માળખાની સ્થાપના પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતમાં નથી.
આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહીની અપીલ
બેઠકમાં ભાગ લેનારા દેશોએ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્તરે આતંકવાદ સામે સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અફઘાનિસ્તાને શક્ય તેટલી વહેલી તકે આતંકવાદને નાબૂદ કરવા માટે વ્યાપક પગલાં લેવા જોઈએ, જેથી અફઘાન જમીનનો ઉપયોગ કોઈપણ પડોશી દેશ અથવા વૈશ્વિક સુરક્ષા સામે ન થાય.;
ભારતે સ્વતંત્ર અને સ્થિર અફઘાનિસ્તાનની હિમાયત કરી
રાજદૂત વિનય કુમારે બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતીય દૂતાવાસ અનુસાર, વિનય કુમારે જણાવ્યું હતું કે, ભારત એક સ્વતંત્ર, શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાનને સમર્થન આપે છે, જે અફઘાન લોકોના સામાજિક, આર્થિક વિકાસ અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરે છે. સુરક્ષિત અને સ્થિર અફઘાનિસ્તાન માત્ર અફઘાન લોકો માટે જ નહીં પરંતુ પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક સુરક્ષા માટે પણ જરૂરી છે.
ભારતના આ પગલાને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સૈન્ય વિસ્તાર નીતિ સામે એક ડિપ્લોમેટિક મેસેજના રૂપે જોવા મળી રહ્યું છે.
રશિયાએ પણ અફઘાનિસ્તાને આપ્યું સમર્થન
રશિયાના વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત જટિલ છે, પરંતુ અફઘાન સરકાર સ્થિરતા તરફ કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે યુએન સંસ્થાઓએ પણ અફઘાનિસ્તાનમાં ડ્રગ ઉત્પાદક વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો સ્વીકાર્યો છે.
લાવરોવે વચન આપ્યું હતું કે, રશિયા આતંકવાદ, ડ્રગ્સ તસ્કરી અને સંગઠિત અપરાધ સામે અફઘાનિસ્તાનને તમામ શક્ય સહાય પૂરી પાડશે, જેથી ત્યાંના લોકો શાંતિપૂર્ણ જીવન જીવી શકે.
પ્રાદેશિક જોડાણ અને વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો
રશિયા, ચીન અને ભારત સહિત તમામ દેશોએ અફઘાનિસ્તાનના આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે અફઘાનિસ્તાનને પ્રાદેશિક સંપર્ક વ્યવસ્થામાં સક્રિય રૂપે જોડવાની વાત કહી જેથી વિકાસ અને સ્થિરતાની દિશામાં નક્કર પગલાં લઈ શકાય.