આરબ દેશોમાં 7.4 કરોડ લોકો પાસે હાથ ધોવાની પૂરતી સુવિધા નથી : UN
- ઘરમાં વોશ-બેઝિન કે સાબુ નહિ રહેતા હોવાથી એમને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું મોટું જોખમ
- પાણીની અછતથી પીડાતા આરબ જગતમાંના શરણાર્થીઓ અને સ્થળાંતરિત લોકોને રોગ લાગુ પડવાની વિશેષ સંભાવના
(એએફપી) બૈરૂત,તા.15 એપ્રિલ 2020, બુધવાર
પાણીની અછતથી પીડાતા આરબ પ્રદેશ ના ૭.૪૦ કરોડ લોકોના ઘરમાં વોશ-બેઝિન કે સાબુ નહિ રહેતા હોવાથી એમને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું મોટું જોખમ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં આમ જણાવીને ઉમેરાયું છે કે આ ૭.૪ કરોડ પ્રજાજનોમાં ૩.૧ કરોડ લોકો સુદાનના છે, ૧.૪ કરોડ લોકો યુધ્ધગ્રસ્ત યમનના છે, જયારે ૯૯ લાખ ઇજિપ્તવાસીઓ છે.
સાબુ અને પાણીથી હાથ ધોતા રહેવું એ કોરોના વાઇરસ કોવિડ-૧૯ના ચેપ સામેની શ્રેષ્ઠ સુરક્ષા હોવાનું વિશ્વભરમાં સ્વીકારાઇ ચૂક્યું છે. ત્યારે હાથ ધોવાની પાયાની સુવિધા વિના રહેતા ઉપરોક્ત ૭.૪ કરોડ લોકો માટે આ સાદું કામ મુશ્કેલ બની રહ્યું છે. એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઇકોનોમિક એન્ડ સોશ્યલ કમિશન ફોર વેસ્ટર્ન એશિયા એ જણાવ્યું.
શરણાર્થીઓ અને યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોના લીધે વધારાનો બોજ પડે છે, એમ કમિશને ઉમેર્યું.
અંદાજે ૨.૬ કરોડ શરણાર્થીઓ અને સ્થળાતરિત લોકો પાસે પાણી તથા સ્વાસ્થ્ય- સેવાઓની અછત હોવાથી સમગ્ર પ્રાંતમાં એમને રોગ જલદી લાગુ પડવાની શક્યતા રહે છે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપરોક્ત કમિશનરે જણાવ્યું.
કોરોના વાઇરસનો ઝડપી ફેલાવો રોકવા માટે વિશ્વભરનાં પ્રત્યેક માનવીને નિ:શુલ્ક પણે ચોખ્ખું પાણી અને સ્વસ્છતા સંબંધી સેવાઓ મળી રહે એની તાકીદે ખાતરી કરવી પડે એમ કમિશનના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રોલા દાશ્તિએ કહ્યું.
આ પ્રદેશના લગભગ ૮.૭ કરોડ લોકોને તો એમના ઘરમાં પીવાલાયક પાણી પણ મળતું નથી. પરિણામે એમને એ માટે ફરજિયાત પણે સાર્વજનિક સુવિધાનો ઉપયોગ કરવો પડે છે. કે જે એમના સ્વાસ્થ્ય સામે ખતરા રૂપ બની રહે છે, એમ કમિશને સાવધાની ઉચ્ચારતા જણાવ્યું.
જે પ્રદેશના ૨૨ પૈકી ૧૦ દેશોમાં ઘેરબેઠાં પાઇપ દ્વારા અપૂરતો પાણી પૂરવઠો મળે છે ત્યાં વધુ પ્રમાણમાં હાથ ધોતા રહેવાથી ઘરગથ્થુ પાણીની જરૂરિયાત ૪૦ લાખથી ૫૦ લાખ ઘન મીટર જેટલી વધી જવાની શક્યતા છે, એમ કમિશને કહ્યું.