સિંગાપુરમાં કોરોનાના નવા 191 કેસ નોંધાયા જે પૈકીના 51 ભારતીય નાગરિકો
- ભારતીય નાગરિકો વિદેશી શ્રમિકો સાથે ડોરમેટરીના ગીચ વાતાવરણમાં રહેતા હોવાથી વાયરસનો ફેલાવો વધ્યો
સિંગાપુર, તા. 12 એપ્રિલ 2020, રવિવાર
સિંગાપુરમાં શનિવારે નવા 191 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા જેમાં ત્યાં કામ કરતા 51 ભારતીય નાગરિકોના નામ પણ સામેલ છે. આ સાથે જ સિંગાપુરમાં કોવિડ-19ના દર્દીઓની કુલ સંખ્યા 2,299 થઈ ગઈ છે. અનેક ભારતીયો સિંગાપુરમાં કામ કરે છે અને એક જ રૂમમાં અનેક લોકો રહેતા હોવાથી ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે શનિવારે સવારે સિંગાપુરના એક 90 વર્ષીય વૃદ્ધ કોવિડ-19ના કારણે થયેલી જટિલતાઓના લીધે મૃત્યુ પામ્યા હતા અને તે સાથે જ કોરોનાના કારણે થયેલા કુલ મૃત્યુની સંખ્યા આઠ થઈ છે.
જાણવા મળ્યા મુજબ નવા 191 દર્દીઓમાં સંક્રમણનો ફેલાવો સ્થાનિક સ્તરેથી થયેલો છે. કોરોનાનો ભોગ બનેલા 51 ભારતીય નાગરિકો વિદેશી શ્રમિકો સાથે ડોરમેટરીમાં રહેતા હોવાના લીધે વાયરસગ્રસ્ત થયા છે. સૌ પ્રથમ 29મી માર્ચના રોજ ડોરમેટરીમાંથી પહેલો કેસ નોંધાયો હતો. આ તરફ સિંગાપુરની હોસ્પિટલમાં ભરતી થયેલા 943 પૈકીના 31 દર્દીઓ આઈસીયુમાં છે અને તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
મંત્રાલયના અહેવાલ પ્રમાણે 35 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અથવા તો શનિવાર સુધી કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 528 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાના 14 જેટલા કેસ ભારતીય મૂળના મેગા સ્ટોર મુસ્તફા સેન્ટર સાથે સંકળાયેલા છે. તે સ્થળેથી કુલ 78 કેસ નોંધાયા હોવાના કારણે તેને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યો છે અને ડિસઈન્ફેક્શન માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
સિંગાપુરના અધિકારીઓ ડોરમેટરીમાં રહેતા લોકોને અન્ય આવાસમાં રાખવાની યોજના બનાવી રહ્યા છે અને તેના માટે સતત પ્રયત્નો ચાલુ છે. આ માટે હાઉસિંગ ડેવલપમેન્ટ બોર્ડના ખાલી પડેલા ફ્લેટ અને સેના દ્વારા ઉપલબ્ધ કરાવાઈ રહેલી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવશે.