For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630, અમેરિકામાં કુલ 9,154નાં મોત

- ઈટાલી અને સ્પેનમાં કોરોનાથી દૈનિક મોતનો આંક ઘટયો

- બ્રિટનની સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો કડક બનાવવા ચિમકી

Updated: Apr 5th, 2020

Article Content Image

- વિશ્વમાં કોરોનાથી ૬૮,૦૦૦થી વધુનાં મોત, ૧૨.૫૦ લાખ કેસ

- ચીને ન્યૂયોર્કમાં ૧,૦૦૦ વેન્ટીલેટર મોકલ્યા, યુએસમાં આગામી સપ્તાહ વધુ જીવલેણ રહેવાની એડમ્સની ચેતવણી 

ન્યૂયોર્ક, તા.  5 એપ્રિલ 2020, રવિવાર

કોરોના વાઈરસ સમગ્ર વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે ત્યારે રવિવારે વિશ્વમાં કોરોનાથી ૬૭,૮૫૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ કેસની સંખ્યા ૧૨,૪૪,૦૦૦ને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ ૧૫,૮૮૭નાં મોત ઈટાલીમાં થયા છે. ત્યાર બાદ સ્પેનમાં ૧૨,૪૧૮ અને અમેરિકામાં ૯,૧૫૪ લોકોનાં મોત થયા છે. જોકે, ઈટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં મોતની સંખ્યા અને નવા કેસોની સંખ્યામાં એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. ઈટાલીમાં રવિવારે ૪,૩૧૬ નવા કેસ નોંધાયા હતા. ફ્રાન્સમાં ૭,૫૬૦ અને બ્રિટનમાં ૪,૯૩૪ લોકોનાં મોત નીપજ્યાં છે. ઈટાલીની જેમ સ્પેનમાં પણ સતત ત્રીજા દિવસે મોતની સંખ્યા ઘટી છે. રવિવારે સ્પેનમાં ૬૭૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં.      

અમેરિકામાં કોરોના વાઈરસનું એપી સેન્ટર બનેલા ન્યૂયોર્ક રાજ્યમાં દૈનિક કોવિડ-૧૯થી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ન્યૂયોર્કમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૬૩૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો હજી પણ વધી શકે છે તેમ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જણાવ્યું હતું. 

ન્યૂયોર્ક રાજ્યમાં બીજી અને ૩જી એપ્રિલ વચ્ચે એક જ દિવસમાં ૫૬૨ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અહીં દર અઢી મિનિટમાં વાઈરલ ઈન્ફેક્શનથી એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૦નાં મોત સાથે ન્યૂયોર્કમાં કુલ મૃત્યુઆંક ૩,૬૫૬ થયો છે તેમ કુઓમોએ જણાવ્યું હતું. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોનાના કુલ ૧,૧૩,૭૦૪ કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક પછી અમેરિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત બીજું રાજ્ય ન્યૂજર્સી છે, જ્યાં કોવિડ-૧૯ના ૩૦,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે.

ન્યૂયોર્કમાં કોરોના વાઈરસના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે અમેરિકાના આ રાજ્યે ચીનમાંથી જીવન બચાવતાં ઉપકરણો મેળળ્યા છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોએ જણાવ્યું હતું કે ન્યૂયોર્કે ફેડરલ સરકારમાંથી ૧૭,૦૦૦ વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો હતો. ચીને અમેરિકામાં ૧,૦૦૦ વેન્ટીલેટર્સ મોકલ્યા છે જ્યારે ઓરેગન ૧૪૦ વેન્ટિલેટર્સ ન્યૂયોર્ક મોકલશે.

દરમિયાન જનરલ સર્જન જેરોમ એડમ્સે રવિવારે અમેરિકનોને ગંભીર ચેતવણી આપી છે. તેમણે ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે ગંભીર સ્થિતિ હજુ આવવાની છે. આગામી સપ્તાહ અમેરિકા માટે ખૂબ જ જોખમી રહેશે. અમેરિકનોના જીવનમાં આગામી સપ્તાહ સૌથી કમનસીબ રહેવાની આશંકા છે. કોરોના વાઈરસ લોકલાઈઝ બનશે ત્યારે આગામી સપ્તાહ આપણા માટે પર્લ હાર્બર, ૯/૧૧ સમાન બની રહેશે. આ સપ્તાહમાં હજારો લોકોના મોત થઈ શકે છે.

દરમિયાન કોરોનાનો સામનો કરી રહેલાં યુરોપમાં ઇંગ્લેન્ડે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો વધુ કડક બનાવવાની ચેતવણી આપી છે. બ્રિટનના હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે રવિવારે જણાવ્યું હતું કે લોકો કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે આકરી માર્ગદર્શિકાઓને નહીં અનુસરે તો સરકાર લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી શકે છે. વીકએન્ડના હુંફાળા વાતાવરણમાં બ્રિટનવાસીઓ પાર્કમાં અને ખુલ્લી જગ્યાઓમાં એકત્ર થઈ શકે છે, જેથી કોરોનાનો પ્રસાર થવાની સંભાવના છે. આથી સરકારે આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાઓ આકરી બનાવવાનો નિર્ણય કર્યો છે. શનિવારે સનબાથ લેવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં રવિવારે સાઉથ લંડનનું પાર્ક બંધ કરી દેવાયું હતું. બીજીબાજુ યુરોપમાં કોરોનાના એપીસેન્ટર બનેલા ઈટાલીમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો ઘટી રહ્યો છે. ઈટાલીમાં રવિવારે કોરોનાથી ૫૨૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જે છેલ્લા બે સપ્તાહમાં એક દિવસનો સૌથી ઓછો મૃત્યુઆંક છે. ઈટાલીમાં છેલ્લે ૧૯મી માર્ચે એક દિવસમાં ૪૨૭નાં મોત નીપજ્યાં હતાં.

પાક.માં નમાઝ માટે ૪૦૦ લોકોને એકત્ર કરવા બદલ મૌલવી સામે કેસ

ઈસ્લામાબાદ, તા. ૫ 

પાકિસ્તાનમાં કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે શુક્રવારે નમાઝ માટે ૪૦૦થી વધુ લોકોને એકત્ર કરવા બદલ એક અગ્રણી મસ્જિદના મૌલવી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં કોરોનાથી ૪૦નાં મોત નીપજ્યાં છે અને ૨,૮૦૦થી વધુ કેસ નોંધાયા છે આવા સમયમાં સરકારે જાહેર સમારંભો, સંમેલનોના આયોજન પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં સરકારી આદેશોને નકારીને લાલ મસ્જિદના ભૂતપૂર્વ મૌલવી મૌલાના અબ્દુલ અઝિઝે શુક્રવારની નમાઝ માટે ૪૦૦થી વધુ લોકોને એકત્ર કર્યા હતા. આથી સરકારે મૌલાના અઝિઝ અને અન્ય છ લોકો સામે કેસ નોંધ્યો છે. મસ્જિદની આજુબાજુ ગોઠવાયેલ પોલીસ અધિકારીઓએ મૌલાનાને સરકારના નમાઝ માટે સંમેલન અને લાઉડ સ્પીકરના દુરુપયોગ પર પ્રતિબંધના આદેશોની જાણ કરી હતી તેમ છતાં મૌલાનાએ મસ્જિદમાં ૪૦૦થી વધુ લોકોને એકત્ર કર્યા હતા.


Gujarat