અમેરિકામાં ડોક્ટરોએ 64 વર્ષના દર્દીના આંતરડામાંથી જીવતી માખી કાઢી !

- સાયન્સ જર્નલમાં વિચિત્ર કિસ્સો પ્રસિદ્ધ થતાં ચર્ચા
- માખી આંતરડા સુધી કેવી રીતે પહોંચી તે ડોક્ટરો માટે પણ મોટું આશ્વર્ય
વૉશિંગ્ટન : અમેરિકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરોએ ૬૩ વર્ષના એક દર્દીના આંતરડામાંથી જીવતી માખી બહાર કાઢી હતી. આંતરડા સુધી માખી પહોંચી કેમ તે મોટો સવાલ છે અને એ જીવતી રહી ગઈ એ એનાથી પણ મોટું આશ્વર્ય છે. આ અહેવાલ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયો એ પછી દુનિયાભરમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.
અમેરિકાના મિસોરી રાજ્યમાં આવેલી મિસોરી યુનિવર્સિટીના ગેસ્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટના તબીબોએ એક ૬૩ વર્ષના દર્દીનું રૂટિન ચેકઅપ હાથ ધર્યું હતું. એ વખતે આંતરડાંને તપાસ્યા તો એમાં કંઈક વિચિત્ર હિલચાલ જણાઈ હતી. વધુ તપાસ કરતાં ખબર પડી કે આંતરડામાં એક જીવતી માખી છે. ઓપરેશન દરમિયાન માખી બહાર નીકળી ત્યારે મરી ગઈ હતી, પરંતુ તેનાથી ડોક્ટરોને આશ્વર્ય થયું હતું. સામાન્ય રીતે ખોરાક સહિતનો કોઈ પણ પદાર્થ અન્નનળી મારફતે પેટમાં પહોંચે છે. આંતરડા સુધી માખી કેમ પહોંચી એનું લોજિક તબીબોને મળ્યું નહીં.
જેટલું આશ્વર્ય તબીબોને થયું એટલું જ દર્દીને પણ થયું. દર્દીએ કહ્યું હતું કે તેણે ઓપરેશન પહેલાં માત્ર સ્વચ્છ પાણી પીધું હતું અને તેના બે દિવસ દરમિયાન જે ખાધું-પીધું એ બધી વિગતો આપી હતી. એમાં ક્યાંય માખી અંદર ગઈ હોય એવી શક્યતા જણાતી ન હતી. તબીબો એવા તારણ પર આવ્યા છે કે કોઈ રીતે માખી મોંમાથી આંતરડા સુધીનો માર્ગ શોધી કાઢી શકે છે એટલે સાવધાની રાખવી જરૂરી છે. મિસોરી યુનિવર્સિટીના ડોક્ટરોએ માખી શરીરમાં આંતરડા સુધી કેવી રીતે પહોંચે તે અંગે અલગથી સંશોધન શરૂ કર્યું છે. માખી માણસના આંતરડામાં ચેપ લગાડી શકે છે. જો એના મોંમાથી નીકળતો પદાર્થ આંતરડામાં રહી જાય તો દુખાવો ઉપડી શકે છે.

