'ભારત પર 100% ટેરિફ ઝીંકવો એ આત્મઘાતી પગલું...', ટ્રમ્પ સરકાર સામે સ્થાનિક નેતાઓ જ રોષે ભરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Tariffs on Russian Oil : અમેરિકન સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો પર 100 ટકા ટેરિફ લાદવાના બિલને બહુમતીથી મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું ભારત અને ચીન સહિતના 5 દેશોને સીધી રીતે પ્રભાવિત કરશે. આ બિલ હેઠળ રશિયા પાસેથી તેલ અને ગેસની આયાત કરતા દેશો પર ભારે ભરખમ આર્થિક બોજ નાખવાની તૈયારી ચાલી રહી છે. જેને અત્યંત સખત માનવામાં આવી રહ્યો છે.
અમેરિકામાં જ આ કડક નિર્ણયનો વિરોધ શરૂ
આ નવા પ્રસ્તાવને લઈને અમેરિકાની અંદર જ વિરોધના સૂર ઊઠવા લાગ્યા છે. એક અમેરિકી સેનેટરે આ કદમ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ચીન સાથે ચાલી રહેલી સ્પર્ધામાં ભારતનું સમર્થન મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેવા સમયે ભારત પર 100 ટકા ટેરિફ લાદવોએ સંપૂર્ણપણે આત્મઘાતી નિર્ણય સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક રાજકારણમાં આનાથી મોટા સમીકરણો બદલાઈ શકે છે.
કયા દેશો છે રશિયાના ટોપ 5 ખરીદદારો?
વર્તમાન સમયમાં ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી કરનારા ટોપ 5 દેશોમાં સામેલ છે. આ બિલ પાછળ એવો તર્ક આપવામાં આવ્યો છે કે આ પ્રકારે થતો વેપાર યુક્રેન યુદ્ધને બળ આપે છે. રશિયા પરના પ્રતિબંધો સિવાય આ બિલ 'ઈરાન સેન્ક્શન એક્ટ ઓફ 1996' ની સમયમર્યાદાને પણ વધારીને 2031 સુધી કરી દેશે, જે ઈરાનના ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ ફટકારશે.
આગામી સમયમાં પ્રતિનિધિ સભામાં થશે ચર્ચા
વોટિંગ બાદ સેનેટર બ્લૂમેન્થલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ કડક પ્રતિબંધો અને ટેરિફ એવા તમામ દેશોને રોકવામાં મદદ કરશે જે આ આક્રમક જંગમાં સામેલ છે. જો કે, કેટલાક ડેમોક્રેટ્સ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આનાથી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ટેરિફ સંબંધિત વધુ વિશેષ અધિકારો મળી જશે. હવે આ મહત્ત્વપૂર્ણ બિલ મંજૂરી મેળવવા માટે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (પ્રતિનિધિ સભા) સમક્ષ જશે, જ્યાં આ મહિનાની 31 તારીખે આ અંગે વિસ્તૃત ચર્ચા થવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.









