- અમેરિકાના બંને ખંડો પર એક ચક્રી રાજ કરવાની ટ્રમ્પની નેમ
- માદુરોનાં અપહરણ પછી ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સને સુપ્રીમ કોર્ટે પ્રમુખ પદે નિયુક્ત કર્યા છે : પહેલાં તો ટ્રમ્પ તેઓની પ્રશંસા કરતા હતા, હવે તેમને ધમકાવે છે
નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝૂએલાનાં ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રીગ્સને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે, ''જો તમો યોગ્ય કાર્યવાહી નહીં કરો તો, નિકોલસ માદુરો કરતાં પણ વધુ ભારે કિંમત ચૂકવવી પડશે. આ સાથે તેઓએ તેમ પણ કહ્યું હતું કે, દક્ષિણ અમેરિકાના દેશોમાં અમેરિકાના હસ્તક્ષેપનો વિરોધ કરશો તો તમારી હાલત પણ નિકોલસ માદુરો જેવી થશે.''
''ધી-એટલાંટિક'' નામના સામાયિકને આપેલી મુલાકાતમાં ''મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન'' (માગા) સૂત્ર આપનાર આ પ્રમુખે ફલોરિડામાં આપેલી મુલાકાતમાં શનિવારે તો તેઓએ ડેલ્સી રોડ્રીગ્સની પ્રશંસા કરી હતી, અને કહ્યું હતું કે, ''વેનેઝૂએલાને ફરી મહાન બનાવવા માટે અમે જે યોગ્ય માનીએ છીએ તે કરવા માટે તેઓ તૈયાર છે, તેમ અમેરિકાના અધિકારીઓને તેઓએ કહ્યું હતું.''
દરમિયાન ટ્રમ્પે માદુરોની બળજબરીથી કરેલી ધરપકડનો પણ બચાવ કર્યો હતો.
વેનેઝૂએલાની સુપ્રીમ કોર્ટે માદુરોનાં અપહરણ પછી ડેલ્સી રોડ્રીગ્સને દેશનાં વડાપ્રધાનપદે નિયુક્ત કર્યાં ત્યારે તો ટ્રમ્પે તેઓની પ્રશંસા કરી હતી. પરંતુ પ્રમુખ પદે નિયુક્ત થયા પછી લગભગ તુર્તજ ડેલ્સી રોડ્રીગ્સે કહ્યું હતું કે, અમારો દેશ દેશનાં નૈસર્ગિક સંસાધનોનું રક્ષણ કરશે જ.
નિરીક્ષકો માને છે કે ત્યારથી જ ટ્રમ્પનું ડેલ્સી રોડ્રીગ્સ સાથેનું વલણ બદલાઈ ગયું છે. વાસ્તવમાં ટ્રમ્પની નજર વેનેઝૂએલા સહિત દક્ષિણ અમેરિકાના દેશો જેવા કે કોલંબિયાના અખૂટ તેલ ભંડારો પર છે. તેની ઉપર પોતાનો કબજો જમાવવાની તેમની નેમ છે. તેમજ ભૂરાજકીય દ્રષ્ટિએ પણ વેનેઝૂએલા, કોલંબિયા ઘણા મહત્ત્વના દેશો છે, તે યાદ રહે.


