ભારત રશિયા પાસે ક્રૂડ નહીં ખરીદે, તો અમેરિકામાં જ વધશે મોંઘવારી! જાણો નિષ્ણાતોનો મત
US Action Against Russia's Crude May Impact On Prices: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારે પેનલ્ટી લાદવાની જાહેરાત કરી છે. ત્યારબાદ ભારતે સ્પષ્ટતા કરી દીધી છે કે, તે કોઈના દબાણમાં આવશે નહીં. જો ભારત કોઈપણ કારણોસર રશિયામાંથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરશે તો, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવોમાં ભારે ઉછાળો આવશે. જેની સીધી અસર ભારત કરતાં અમેરિકા પર સૌથી વધુ પડશે. કારણકે, અમેરિકા વિશ્વમાં બીજું સૌથી મોટુ ક્રૂડ આયાતકાર છે.
વિશ્વમાં ક્રૂડની સૌથી વધુ આયાત કરવામાં ચીન પ્રથમ ક્રમે, અમેરિકા બીજા ક્રમે અને ભારત ત્રીજા ક્રમે છે. ઉર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજા જણાવે છે કે, રશિયામાંથી ક્રૂડની ખરીદી બદલ અમેરિકાએ પેનલ્ટી લાદતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા છે. જેની અસર અમેરિકા પર થશે. ત્યાં પણ ક્રૂડના ભાવ વધશે, સાથે મોંઘવારી પણ. નોંધનીય છે, ભારતે અમેરિકાની ધમકીથી ડર્યા વિના રશિયામાંથી ક્રૂડની ખરીદી ચાલુ રાખી છે.
રશિયામાંથી સંપૂર્ણ આયાત બંધ કરવી અશક્ય
નિષ્ણાતોના મતે, રશિયામાંથી ક્રૂડની આયાત સંપૂર્ણપણે બંધ કરવી સરળ નથી. કારણકે, તમામ દેશ પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં નિર્ણય લે છે. કોઈપણ દબાણમાં જો રશિયામાંથી ક્રૂડનો પુરવઠો બંધ કરવામાં આવે તો તેની સીધી અસર સમગ્ર વિશ્વ પર પડશએ. માગ અને પુરવઠા વચ્ચેના તફાવતના કારણે ક્રૂડના ભાવ 100થી 120 ડોલર પ્રતિ બેરલ સુધી વધી શકે છે.
રશિયામાંથી લાખો બેરલની નિકાસ
રશિયા રોજિંદા 50 લાખ બેરલ ક્રૂડની નિકાસ કરે છે. ભારત પોતાની જરૂરિયાતના 33થી 40 ટકા ક્રૂડ રશિયામાંથી આયાત કરે છે. એવામાં વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધે તો ભારત પર તેની અસર થઈ શકે છે. કારણકે, ભારત ક્રૂડ મામલે અમેરિકા બાદ ત્રીજો ટોચનો આયાતકાર છે.
ભારત પાસે અનેક વિકલ્પ
ભારત પાસે ક્રૂડની ખરીદી કરવા માટે આશરે ત્રણ ડઝનથી વધુ વિકલ્પો ઉપલબ્ધ છે. રશિયામાંથી ક્રૂડ આયાત સતત વધારી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો વધતાં પેટ્રોલિયમ કંપનીઓ પર દબાણ વધી શકે છે. જો કે, તેની સંભાવના ઓછી છે, કારણકે કંપનીઓ તેનો સીધો બોજો ગ્રાહકો પર નાખી શકે છે. જાન્યુઆરી, 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ર અનેક પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતાં. જેથી રશિયાએ ક્રૂડના ભાવમાં મોટાપાયે ઘટાડો કરતાં ભારતે રશિયામાંથી ક્રૂડની ખરીદી વધારી હતી. મે, 2025માં ભારતે રશિયામાંથી 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ ક્રૂડ આયાત કર્યું હતું. જે તેની ક્રૂડ ઓઈલની કુલ આયાતના આશરે 38 ટકા છે.
ભારત ખરીદતુ રહેશે રશિયા પાસેથી ક્રૂડ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને અવગણતા ભારતીય ક્રૂડ ઓઈલ કંપનીઓ રશિયા પાસેથી ખરીદી ચાલુ રાખશે. સરકારી સુત્રોએ શનિવારે આ અંગે દાવો કર્યો હતો. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દીધુ છે. આ એક સારો નિર્ણય છે. પરંતુ આ મામલે શું ચાલી રહ્યું છે. તેની મને કોઈ જાણકારી નથી. જ્યારે કેન્દ્ર સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, ક્રૂડ ખરીદવા માટે ભારતે રશિયા સાથે લાંબાગાળાના કોન્ટ્રાક્ટ કર્યા છે. જેથી એક રાતમાં ક્રૂડની ખરીદી બંધ કરવી અસંભવ છે. રશિયામાંથી ક્રૂડ ઓઈલ ખરીદવાની ભારત સરકારની નીતિમાં કોઈ ફેરફાર થયા નથી. સરકારે આ મામલે કોઈ દિશાનિર્દેશ જાહેર કર્યા નથી.