કુલભૂષણ જાધવ કેસ: પાકિસ્તાની સંસદમાં વટહુકમ બિલ રજુ કરાયું
ઇસ્લામાબાદ, 27 જુલાઇ 2020 સોમવાર
ભારતના નિવૃત્ત ભારતીય નૌકાદળ અધિકારી કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન સરકારે સોમવારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ વટહુકમને દેશની સંસદમાં રજૂ કર્યો છે. દેશની અંદર વિપક્ષો સરકારને આ અંગે સવાલ ઉભા કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર જાધવને બચાવવા પ્રયાસ કરી રહી છે જ્યારે સરકાર સ્પષ્ટતા કરી રહી છે કે તે ICJની સૂચનાનું પાલન કરી રહી છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર સોમવારે સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ વટહુકમ હેઠળ સૈન્ય અદાલતનાં નિર્ણયની સમીક્ષા કરવા ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી શકાય છે. 49 વર્ષીય નિવૃત્ત ભારતીય નૌકાદળ અધિકારીને એપ્રિલ 2017 માં પાકિસ્તાનની સૈન્ય અદાલતે 'જાસૂસી અને આતંકવાદ' ના આરોપમાં ફાંસીની સજા સંભળાવી હતી. થોડા અઠવાડિયા પછી, ભારતે જાધવના રાજદ્વારી પહોંચને નકારી કાઢવા અને તેની મૃત્યુ સજાને આંતરરાષ્ટ્રીય અદાલત ન્યાય (ICJ) માં પડકાર્યો હતો.
ICJએ ગયા વર્ષે જુલાઇમાં ચુકાદો આપ્યો હતો કે પાકિસ્તાનને જાધવની સજા પર પ્રભાવી સમીક્ષા અને પુનર્વિચાર કરવો જોઇએ અને રાજનૈતિક પહોંચ તાત્કાલિક આપવી જોઇએ, ગત 16 જુલાઇનાં દિવસે પાકિસ્તાને જાધવને બીજી રાજનૈતિક સેવા પ્રદાન કરી હતી, તે માટે પુનર્વિચાર અરજી પર હસ્તાક્ષર કરાવવા માટે ભારતનાં રાજદુત જાધવને મળવા માટે પહોંચ્યા હતાં.
જોકે, ભારતીય રાજદ્વારીઓએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની અધિકારીઓએ તેઓને જાધવ સાથે અવિરત વાત કરવા દીધી નહીં અને વાતચીતમાં દખલ કરતા હતાં. ત્યાં જ , આ વટહુકમ વિશે પાકિસ્તાનના અખબાર Dawnમાં કહેવામાં આવ્યું હતું કે પીપલ્સ પાર્ટીના સેનેટર રઝા રબ્બાનીએ સવાલ કર્યો હતો કે સરકાર પાકિસ્તાનની સંસદમાં વટહુકમ શા માટે નથી લાવી રહી.