હું રાજકારણમાં કોઈ પર ભરોસો નથી કરતો, ઇઝરાયલમાં ચૂંટણી પહેલા નેતન્યાહૂ અંગે ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Tensions Impact on Israel-US Elections : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પોતાને કેટલો વિશ્વાસ છે તે અંગે પૂછવામાં આવતાં કહ્યું કે તેઓ રાજકારણમાં કોઈના પર ભરોસો કરતા નથી. ઇઝરાયલમાં 27 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણી પહેલાં ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. નેતન્યાહુની ચૂંટણીમાં ટ્રમ્પની ભૂમિકા શું રહેશે અને તેઓ જાહેરમાં સમર્થન આપશે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી છે. ન્યૂઝમેક્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ નેતન્યાહુ પર વિશ્વાસ કરે છે. તેના જવાબમાં તેમણે કહ્યું, “સાચું કહું તો હું કોઈના પર વિશ્વાસ કરતો નથી. રાજકારણની દુનિયામાં હું કોઈના પર ભરોસો કરતો નથી.”
નેતન્યાહુના ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા અંગે પૂછવામાં આવતાં ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલના લોકો ઇચ્છે છે કે તેઓ સામેલ થાય. જોકે, તેમણે નેતન્યાહુને ચૂંટણીમાં સમર્થન આપવાની સ્પષ્ટ જાહેરાત કરી નહોતી. ટ્રમ્પે બંને વચ્ચેના સંબંધોને “ખૂબ સારા” ગણાવ્યા હતા અને ઇરાન સામેની લશ્કરી ભાગીદારી (ડિફેન્સ અલાયન્સ)ને સફળ ગણાવી હતી.
ઇરાન પર ફરી લશ્કરી કાર્યવાહી કરવાની ચર્ચા
આ દરમિયાન ઇરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે સંભવિત સંયુક્ત લશ્કરી કાર્યવાહી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. એક્સિયોસના અહેવાલમાં અમેરિકાના અને ઇઝરાયલના અધિકારીઓ સહિતના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ અને નેતન્યાહુએ બે અઠવાડિયાં દરમિયાન અનેક વખત વાતચીત કરી હતી. તેમાં ઇરાન સામે મોટા પાયે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાની શક્યતા અંગે ચર્ચા થઈ હોવાનું કહેવાયું હતું.
હાલ હુમલાની શક્યતા નહીવત્ત
અહેવાલ પ્રમાણે, ઇરાનનાં લશ્કરી અને પરમાણુ મથકોને નિશાન બનાવવાની સંભાવના પણ ચર્ચામાં હતી. જોકે, વ્હાઇટ હાઉસે આ દાવાને ફગાવી દીધો હતો. વ્હાઇટ હાઉસના અધિકારીએ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે યુદ્ધ ફરી શરૂ કરવાની ચર્ચા થયાનો દાવો ખોટો ગણાવ્યો હતો. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ પહેલાં ઇરાન પર હુમલો કરવામાં નહીં આવે. નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે વડા પ્રધાન ટ્રમ્પ અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે, પરંતુ વાતચીતની વિગતો અંગે કોઈ ટિપ્પણી કરી નહોતી.
ચૂંટણી પર પણ પડી શકે છે અસર
ઇઝરાયલની 27 ઑક્ટોબરની ચૂંટણી અને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ઇરાન સામે નવી લશ્કરી કાર્યવાહી બંને નેતાઓ માટે રાજકીય પડકાર ઊભો કરી શકે છે. ઇરાન તરફથી સંભવિત વળતા હુમલાની આશંકાને કારણે ઇઝરાયલની ચૂંટણી પ્રક્રિયા ખોરવાઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.




