- માલદીવમાંથી ભારતીય સૈન્ય ટુકડીને મોઈજ્જુએ હાંકી કાઢ્યા પછી બંને દેશોના સંબંધો તંગ થયા હતા : હવે ત્યાં HALના ઈજનેરો રહેશે
માલે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા મળેલા આમંત્રણનો સ્વીકાર કરતાં માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું હતું કે આમંત્રણથી હું મને બહુમાનિત થયો હોવાનું માનું છું. આ સાથે બંને દેશોનાં સંબંધો પણ સુધરશે.
વાસ્તવમાં માલદીવનાં વિમાન ગૃહોની સલામતી માટે ભારતે મુકેલા તેના જવાનોને તા. ૧૦ મે પહેલા માલદીવ છોડી મુકવા મોઈજ્જુએ કરેલા હુકમ પછી બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા બગડયા હતા.
આ પૂર્વે ભારતે માલદીવને બે હેલિકોપર્ટસ અને એક ડ્રોન વિમાન ભેટ આપ્યા હતા.
માલદીવે તેની તથા તેના નાના એરપોર્ટની જાળવણી માટે ભારતીય સૈન્ય ટુકડી માગી હતી. જે ત્યાં રહેતી પણ હતી. પરંતુ મુઈજ્જુએ ચીનની ચઢામણીથી ભારતીય ટુકડીને ૧૦ મે સુધીમાં દેશ છોડી દેવા હુકમ કરતાં તે પહેલાં ૧૫ દિવસે ભારતીય ટુકડી પરત આવી ગઈ હતી.
હવે પ્રશ્ન તે હેલીકોપ્ટર્સ, ડ્રોન વિમાનો તથા માલદીવનાં પોતાના વિમાનોનાં સમારકામ તથા જાળવણીનો આવતા મુશ્કેલી ઊભી થઈ હતી. આથી તે હેલીકોપ્ટર્સ અને ડ્રોન વિમાનો બનાવનાર ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ના ઈજનેરોને બોલાવવા પડયા, તેઓએ સફળ કામગીરી કરતા મુઈજ્જુનું ભારત પ્રત્યેનું વલણ બદલાઈ ગયું. વળી તેના વિપક્ષ અને જનસામાન્યનું તો કહેવું છે કે ભારત તો આપણો ૧૯૯ (સંકટ સમયનો) નંબર છે. સુનામી સમયે ભારતે આપણને અનાજ, દાણોપાણી અને પીવાના પાણીની હજારો બોટલો મોકલી હતી.
વિશ્લેષકો કહે છે કે આ યાદ કરી મોઈજ્જુએ પોતાનું વલણ બદલ્યું હશે.
પ્રમુખ મુઈજ્જુની સાથે ૩૦ અધિકારીઓ તથા ટેકનોલોજિસ્ટ પણ ભારતમાં આવવાના છે. જેઓ ભારતના અધિકારીઓ અને ટેકનોલોજિસ્ટ સાથે મંત્રણા કરવાના છે. માલદીવ્ઝના વિદેશ મંત્રી ઝમીર પણ મુઈજ્જુની સાથે ભારત આવવાના છે. તેઓ ભારતના વિદેશમંત્રી જયશંકર સાથે મંત્રણા કરશે.


