WHO પર અમેરિકાનો ગંભીર આરોપ, ચીનને બચાવવા માટે સ્પર્શથી કોરોના ફેલાવાની વાત છુપાવી
વોશિંગ્ટન, 16 એપ્રિલ 2020 ગુરૂવાર
દુનિયાભરમાં ટિકાઓ સહન કર્યા પછી હવે અમેરિકાએ (USA)પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)પર ખુલીને પ્રહાર કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)WHOનું ફંડિગ રોક્યા પછી અમેરિકી પ્રશાસને ફરી એક વખત WHO પર ગંભીર આરોપ લગાવ્યો છે.
અમેરિકી સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે સંસ્થા માટે દુનિયામાં સૌથી વધારે ફંડિંગ અમે કરીએ છીએ પણ WHO ખુલીને ચીનના સમર્થનમાં કામ કરે છે.
અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે WHOએ ડોક્ટરો અને જાણકારોની ચેતવણી છતા ચીનના તે દાવાનો પક્ષ લીધો હતો, જેમાં તેમણે કોરોના વાયરસ માણસથી માણસના શરીરમાં ન ફેલાવવાની વાત કહી હતી.
તાઇવાને 31 ડિસેમ્બરે જ WHOને એક રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં કોરોના વાયરસ અડવાથી ફેલાય છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે તેને છુપાવી દીધો હતો.
જોવામાં આવે તો અમેરિકાના દાવામાં સચ્ચાઇ જોવા મળે છે. જાન્યુઆરીના મધ્ય સુધી કોરોનાના હજારો કેસ સામે આવ્યા પછી WHO સતત ચીનના પ્રયત્નોની પ્રશંસા કરી રહ્યું હતું. WHOએ એ પણ દાવો કર્યો હતો કે ચીનમાં કોરોનાથી માણસથી માણસમાં ફેલાવવાનો કોઈ મામલો સામે આવ્યો નથી.
જ્યારે તેને વિપરિત ચીનના વુહાન હોસ્પિટલના ડોક્ટર્સે દુનિયા માટે ચેતાવણી જાહેર કરી દીધી હતી. આ બધા પછી 22 જાન્યુઆરીએ WHOએ કોરોનાને એક પબ્લિક ઇમરજન્સી જાહેર કરી હતી. ત્યાં સુધી ચીનમાં કોરોના સંક્રમણના 50 હજારથી વધારે મામલા સામે આવી ગયા હતા.
બીજી તરફ ટ્રમ્પના WHOના ફંડિંગ રોકવાના નિર્ણયની દુનિયાભરમાં ટિકા થઈ રહી છે. યુરોપિયન યૂનિયન, જર્મની, આફ્રિકી મહાસભા, યુએન, ચીન, ઇરાન અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે પણ આ પગલાને આત્મઘાતી બતાવ્યું છે.