હુથીઓએ નાકમાં દમ કર્યો, ઈઝરાયલ પર મિસાઈલો ઝીંકી તો ટ્રમ્પે અમેરિકન સૈન્યને કહ્યું - ખાત્મો કરી નાખો
Israel War: ઈઝરાયલે શુક્રવારે બે હજાર કિલોમીટરથી વધુની દૂરીથી ઈરાન સમર્થિત હૂથી સમૂહ દ્વારા છોડવામાં આવેલી બે મિસાઇલને નષ્ટ કરી દીધી છે. આ મિસાઇલ તેલ અવીવ શહેર અને રેમેટ ડેવિડ વાયુસેનાના એરપોર્ટને નિશાનો બનાવીને છોડવામાં આવી હતી.
ટ્રમ્પે સેનાને આપ્યો આદેશ
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને હૂથી સૈન્ય ક્ષમતાઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ અમેરિકન નેવીએ આ વિસ્તારમાં બે એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજોનો કાફલો તૈનાત કર્યો છે. જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી ટ્રમ્પે પહેલી વાર લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ ચીનના રાજદૂતને શરણે ગયા વડાપ્રધાન શહબાઝ શરીફ, ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ પર કરી ચર્ચા
અમેરિકાએ સૈન્ય તૈનાતી વધારી
ટ્રમ્પના આ આદેશ બાદ પશ્ચિમ એશિયામાં અમેરિકાની સૈન્ય તૈનાતી વધારવામાં આવી રહી છે. યુએસ નેવીના એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કાર્લ વિન્સન સ્ટ્રાઈક ગ્રુપને થોડા અઠવાડિયા પહેલા યમન નજીક એડનના અખાતમાં તૈનાત કરવામાં આવ્યું હતું પરંતુ તે હૂથીઓને કાબૂમાં લેવામાં સફળ રહ્યું નથી.
હૂથીઓએ અત્યાધુનિક ડ્રોન તોડી પાડ્યા
હુથીઓએ અમેરિકા દ્વારા છોડવામાં આવેલા અત્યાધુનિક ડ્રોનને તોડી પાડવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પના આદેશ બાદ, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે બીજા વિમાનવાહક જહાજ યુએસએસ હેરી એસ ટ્રુમેનને ત્યાં મોકલવાના નિર્દેશો આપ્યા છે. આ યુદ્ધ જહાજ બે દિવસમાં પશ્ચિમ એશિયા પહોંચ્યા બાદ હૂથીઓ સામે અમેરિકાનું અભિયાન વધુ તેજ થશે.
આ પણ વાંચોઃ યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનને નાણાંની જરૂર પડી, IMF સામે હાથ ફેલાવ્યા, ભારતનો વિરોધ
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી હવાઈ હુમલામાં 32 પેલેસ્ટાઇન નાગરિકના મોત
ગાઝામાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 32 પેલેસ્ટાઇન નાગરિકોના મોત થઈ ગયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. ગાઝા શહેરના મધ્યમાં અબ્દેલ-અલ જંકશન નજીક એક ચેરિટેબલ હોસ્પાઇસને નિશાન બનાવતા ઈઝરાયલી હુમલામાં છ લોકોના મોત થયા હતાં અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ સિવાય શહેરના ઉત્તરમાં શેખ રદવાન પડોશમાં એક ઘરને નિશાન બનાવીને ઇઝરાયલી ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા.