Get The App

દુનિયા સામે નવું સંકટ : લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં 2 જહાજ ડૂબાડ્યાં

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયા સામે નવું સંકટ : લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં 2 જહાજ ડૂબાડ્યાં 1 - image
Representative image

Houthi Rebels: દુનિયા સામે નવું સંકટ ઊભુ થઈ રહ્યું છે કારણ ઈરાન સમર્થક હુથી બળવાખોરોએ લાલ સાગરમાં કાર્ગો જહાજો ડૂબાડવાનું શરૂ કર્યુ છે. હુથી બળવાખોરો દ્વારા હુમલાનો ડર એટલો છે કે લાલ સાગરમાંથી પસાર થતા કાર્ગો જહાજોના ક્રૂ મેમ્બર પોતાને બચાવવા માટે ધાર્મિક ઓળખ જાહેર કરવી પડી રહી છે. કારણ કે છેલ્લા એક અઠવાડિયામાં હુથી હુમલા પછી લાલ સાગરમાં બે જહાજો ડૂબી ગયા છે. હુથીઓએ જાહેરાત કરી છે કે તે ઈઝરાયલી બંદર તરફ જતા દરેક કાર્ગો જહાજ પર હુમલો કરશે.

લાલ સાગરમાં હુથી બળવાખોરોનો ખોફ

અહેવાલો અનુસાર, લાલ સાગરમાંથી પસાર થતા જહાજોના પબ્લિક ટ્રેકિંગ પ્રોફાઇલ પર એવા મેસેજ મોકલામાં આવી રહ્યા છે કે, 'જહાજ પરના બધા ક્રૂ મેમ્બર મુસ્લિમ છે. તેથી હુમલો ન કરો. આ ઉપરાંત આ જહાજનો ઈઝરાયલ સાથે કોઈ સંબંધ નથી, તેથી અમને સુરક્ષિત રીતે જવા દો.' મરીન ટ્રેકિંગ ડેટા પરથી જાણવા મળ્યું છે કે મોટાભાગના કાર્ગો જહાજો હુથી બળવાખોરોને મેસેજ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે કોઈપણ સંજોગોમાં ઈઝરાયલી બંદર વિસ્તારમાં પ્રવેશ કરશે નહીં.

હુમલાઓથી બચવા માટે અપનાવવામાં આવી રહેલી વ્યૂહનીતિ એ સમજાવવા માટે પૂરતી છે કે લાલ સાગરમાં હુથી બળવાખોરો કેટલા ખતરનાક બની ગયા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં, લાલ સાગર હજુ પણ સળગી રહ્યો છે. તે કાર્ગો જહાજો માટે એક ઉચ્ચ જોખમી ક્ષેત્ર બની ગયો છે. જો કે, નવેમ્બર 2023થી લાલ સાગરમાં હુથી દ્વારા હુમલાઓ થઈ રહ્યા છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં બે જહાજો પર હુમલો ગંભીર સંકટ તરફ ઈશારો કરી રહ્યો છે.

હુથી બળવાખોરોએ જહાજો પર ક્યારે હુમલો કર્યો?

છઠ્ઠી જુલાઈના રોજ લાઈબેરિયન ધ્વજવાળા કાર્ગો જહાજ મેજિક સીઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે ગ્રીક કંપની દ્વારા સંચાલિત હતું. આ જહાજ પર ડ્રોન અને રોકેટ ગ્રેનેડ જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા પછી 22 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ કાર્ગો જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું.

આ પણ વાંચો: અમેરિકા સહિત 3 દેશોને રશિયાની સીધી ધમકી, ઉત્તર કોરિયાને નિશાન બનાવ્યું તો સમજી લેજો...


નવીમી જુલાઈના રોજ એટરનિટી સી નામના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી 10 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 11 ક્રૂ મેમ્બર હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે.

હુથી નેતાએ શું કહ્યું?

લાલ સાગરમાં હુથી બળવાખોરોનો ખતરો હજુ ટળ્યો નથી. હુથી નેતા અબ્દુલ મલિક અલ-હુથીએ કહ્યું છે કે, 'ઈઝરાયલ સંબંધિત માલસામાનનું પરિવહન કરતી કોઈપણ કંપનીને કોઈ રસ્તો આપવામાં આવશે નહીં. તેમના જહાજ સાગરમાં ડૂબી જશે.' આ દરમિયાન એવી ચર્ચા છે કે જો લાલ સાગરનો વેપાર માર્ગ બંધ થઈ જાય, તો તે વિશ્વ માટે કેટલું મોટું સંકટ હશે.

વિશ્વભરના દેશો પર એક નવું આર્થિક સંકટ કેમ આવી રહ્યું છે?

•લાલ સાગર એશિયાથી યુરોપ સુધીનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે.

•વિશ્વના કુલ દરિયાઈ વેપારનો લગભગ 15 ટકા ભાગ લાલ સાગર દ્વારા થાય છે.

•દર વર્ષે લગભગ 1 ટ્રિલિયન ડોલરનો વેપાર લાલ સાગરમાંથી પસાર થાય છે.

•અરબ દેશોથી વિશ્વના બાકીના ભાગોમાં તેલ સપ્લાય માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ માર્ગ છે.

•એશિયા અને યુરોપ વચ્ચે લગભગ 40 ટકા વેપાર લાલ સાગર દ્વારા થાય છે.

•જો આ વેપાર માર્ગ બંધ કરવામાં આવે તો, પરિવહન ખર્ચ 5 ગણો વધી શકે છે.

લાલ સાગર યુરોપને અરબ દેશો સાથે જોડતા સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંનો એક છે. તે ભારતને યુરોપ સાથે પણ જોડે છે. જેમાં જહાજો સુએઝ નહેર દ્વારા લાલ સાગરમાં પ્રવેશ કરે છે. લાલ સાગરમાં બાબ અલ મંડાબ સ્ટ્રેટ 32 કિલોમીટરનો સાંકડો વિસ્તાર છે, જ્યાં હુથીઓ સૌથી વધુ હુમલાઓ કરી રહ્યા છે. ત્યાંથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને, તેઓ પર્સિયન ગલ્ફથી યુરોપ પહોંચે છે. આ રૂટ પર યુરોપ પહોંચવામાં 10થી 13 દિવસ લાગે છે.

દુનિયા સામે નવું સંકટ : લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં 2 જહાજ ડૂબાડ્યાં 2 - image



Tags :