World

હોર્મુઝ સ્ટ્રેટ બંધ, UAEએ OPEC અને OPEC પ્લસમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત, ભારતને થઈ શકે ફાયદો

By GS Team
28 Apr 20263 mins read
TukuTouch Logo
ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેના લીધે ખાડી દેશોમાંથી ક્રૂડ અને ગેસ સપ્લાય પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ક્રૂડ બજારને ચોંકાવતા ક્રૂડ ઉત્પાદક દેશોના જૂથ OPEC અને ઓપેક પ્લસ (OPEC+) માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. ઓપેકના લીડર સાઉદી અરેબિયા સાથેના આંતરિક મતભેદો વચ્ચે UAE એ કહ્યું છે કે તે 1 મેથી ઓપેક અને ઓપેક પ્લસ બંને ક્રૂડ સંગઠનોનું સભ્યપદ છોડી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ સ્ટ્રેટ બંધ, UAEએ OPEC અને OPEC પ્લસમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત, ભારતને થઈ શકે ફાયદો

UAE Leaves Opec: ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેના લીધે ખાડી દેશોમાંથી ક્રૂડ અને ગેસ સપ્લાય પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ દરમિયાન સંયુક્ત આરબ અમીરાતે(UAE) ક્રૂડ બજારને ચોંકાવતા ક્રૂડ ઉત્પાદક દેશોના જૂથ OPEC અને ઓપેક પ્લસ(OPEC+)માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. ઓપેકના લીડર સાઉદી અરેબિયા સાથેના આંતરિક મતભેદો વચ્ચે UAE એ કહ્યું છે કે તે 1 મેથી ઓપેક અને ઓપેક પ્લસ બંને ક્રૂડ સંગઠનોનું સભ્યપદ છોડી રહ્યું છે.

શું છે OPEC?

ઓપેક એટલે કે Organization of the Petroleum Exporting Countries ક્રૂડ નિકાસ કરતાં દેશોનું એક જૂથ છે, જે વૈશ્વિક ક્રૂડ ઉત્પાદન નીતિઓ પર સંકલન સાથે કામ કરે છે જેથી ક્રૂડ બજારમાં સ્થિરતા જળવાઈ રહે. તેની સ્થાપના 1960માં થઈ હતી. અગ્રણી સભ્ય દેશોમાં સામાન્ય રીતે સાઉદી અરેબિયા, UAE, ઈરાક, ઈરાન, કુવૈત, વેનેઝુએલા અને નાઈજીરિયા જેવા દેશો સામેલ રહ્યા છે.

OPEC+ની ભૂમિકા

બીજી તરફ ઓપેક પ્લસ (OPEC Plus) એ ઓપેકનું વિસ્તૃત જૂથ છે, જેમાં ઓપેક દેશોની સાથે કેટલાક બિન-ઓપેક ક્રૂડ ઉત્પાદક દેશો પણ સામેલ હોય છે. સૌથી મહત્ત્વનો બિન-ઓપેક સભ્ય રશિયા છે. આ જૂથ ખાસ કરીને 2016 પછી વધુ સક્રિય થયું, જ્યારે ક્રૂડના ભાવને સંભાળવા માટે ઓપેકે અન્ય મોટા ઉત્પાદકોને પોતાની સાથે લઈ લીધા.

80% ક્રૂડ રિઝર્વ

ઓપેક દેશો પાસે સંયુક્ત રીતે વિશ્વનો 80% ક્રૂડ રિઝર્વ (જથ્થો) છે અને તેઓ મળીને વૈશ્વિક ક્રૂડ ઉત્પાદનનો લગભગ 40% હિસ્સો ઉત્પાદિત કરે છે. આ જૂથના દેશો જ્યારે ઉત્પાદન ઘટાડે છે કે વધારે છે, ત્યારે વિશ્વમાં ક્રૂડની કિંમત બદલાય છે, જેની અસર ભારતમાં પેટ્રોલ-ડીઝલ, મોંઘવારી અને આયાત બિલ પર પડે છે.

ભારત પર કેવી અસર થશે?

UAEનું ઓપેક છોડવું એ ભારત-ચીન જેવા વિશ્વના મોટા ક્રૂડ ખરીદદારો માટે અત્યંત અગત્યના સમાચાર છે. UAEના ઓપેક છોડવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં વધ-ઘટ જોવા મળી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન યુદ્ધની શરૂઆતથી હોર્મુઝ સ્ટ્રેટ લગભગ બંધ છે. ઈરાને શિપિંગ રોકી દીધું અને અમેરિકાએ ઈરાની બંદરો પર બ્લોકેડ લગાવી દીધું. આનાથી વિશ્વનું લગભગ 20% ક્રૂડ-ગેસ ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થયું. સાઉદી અરેબિયા, UAE, ઈરાક, કુવૈત જેવા ખાડી દેશોની નિકાસ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને આ દેશો દરરોજ લાખો બેરલનું નુકસાન વેઠી રહ્યા છે.

ભારતને ફાયદો પણ થઈ શકે

ભારત પર પણ હોર્મુઝ બંધ થવાની મોટી અસર થઈ છે અને મધ્ય પૂર્વથી ક્રૂડની આયાત 60% સુધી ઘટી છે, જ્યારે કુલ આયાતમાં 13%નો ઘટાડો થયો છે. ભારતે રશિયાથી આયાત લગભગ બમણી કરી દીધી છે, પરંતુ તેમ છતાં સપ્લાયનું દબાણ અને ઊંચી કિંમતો યથાવત્ છે. પરંતુ UAEનું ઓપેક છોડવું એ ભારત માટે એક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. UAE પાસે હબશાન-ફુજૈરા (ADCOP) પાઇપલાઇન છે, જે સંપૂર્ણપણે હોર્મુઝની બહાર છે. તેની ક્ષમતા 1.5-1.8 મિલિયન બેરલ પ્રતિ દિવસ છે અને UAE આના દ્વારા પોતાનું ક્રૂડ સરળતાથી વેચી રહ્યું છે.

આ પણ વાંચો: એરલાઈન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતા કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો...’

જૂથ છોડતાની સાથે જ UAEને OPEC+ ક્વોટામાંથી મુક્તિ મળી જશે અને આ કારણે તે પોતાની સંપૂર્ણ ક્ષમતા(4.8-5 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી)નો ઉપયોગ કરી શકે છે. જેનાથી UAEનું વધારાનું ક્રૂડ બજારમાં આવશે જેનાથી કિંમતો ઓછી થઈ શકે છે. ભારતની રિફાઇનરીઓ UAEના મરબાન (Murban) ક્રૂડને પસંદ કરે છે. હવે UAE કોઈપણ રોકટોક વગર વધુ ઉત્પાદન કરશે અને પોતાની મરજીથી ક્રૂડ વેચશે. વૈશ્વિક સપ્લાયમાં થોડા વધારાથી ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો અટકી શકે છે અથવા થોડો ઘટાડો આવી શકે છે. જેથી ભારતને રાહત મળી શકે છે અને તેનું આયાત બિલ ઘટી શકે છે. જોકે, જો OPEC+માં ફૂટ પડવાથી ગ્લોબલ ક્રૂડ બજાર વધુ અસ્થિર બન્યું તો કિંમતોમાં અસ્થિરતા વધી શકે છે.