'આશા છે કે ભારત પણ...': અરૂણાચલ બોર્ડર પર તણાવ મુદ્દે ચીને આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-China Border Tension : ભારત અને ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અને તાજેતરના ઘર્ષણ વચ્ચે ચીન તરફથી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સોમવારે 26 ઓક્ટોબરના રોજ જણાવ્યું હતું કે તેમના સૈનિકો સરહદ પર સામાન્ય અને નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ITBPના DGના નિવેદન બાદ સરહદ પર ઘર્ષણની ચર્ચા
ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે, ચીન તમામ સરહદી નિયમોનું પાલન કરે છે અને ભારત પાસેથી પણ આવી જ અપેક્ષા રાખે છે. ઉલ્લેખનીય છે કે, ITBPના ડીજી શત્રુજીત કપૂરના નિવેદન બાદ બંને દેશો વચ્ચે સરહદ પર થયેલા ઘર્ષણની ચર્ચાએ જોર પકડ્યું હતું.
નિયમો અને સમજૂતીઓના પાલન અંગે ચીનનો દાવો
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, તેમની સેના નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકા હેઠળ જ પેટ્રોલિંગ કરી રહી છે. ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ, ગુઓ જિયાકુને કહ્યું કે, ચીને બંને દેશો વચ્ચે થયેલા કરારો અને સંમતિઓનું ચુસ્તપણે પાલન કર્યું છે. પોતાની પ્રાદેશિક સાર્વભૌમત્વ અને સરહદી વિસ્તારમાં સ્થિરતા જાળવી રાખવા માટે ચીની સેના સરહદ નજીક નિયમિત પેટ્રોલિંગ અને વ્યવસ્થાપનનું કામ કરી રહી છે.
ચીને ભારત સમક્ષ શાંતિ જાળવવાની રાખી અપેક્ષા
ભારત સાથેના સંબંધો અંગે વાત કરતાં ગુઓ જિયાકુને જણાવ્યું કે, ભારત સાથે રાજદ્વારી વાતચીતના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે. ચીન એવી અપેક્ષા રાખે છે કે ભારત પણ બંને દેશો વચ્ચે બનેલી પરસ્પર સંમતિઓનું ધ્યાન રાખશે અને સરહદી વિસ્તારોમાં સ્થિરતા તથા શાંતિ જાળવી રાખવા માટે મજબૂત પગલાં ભરશે.
અરુણાચલ સરહદે ઘર્ષણ બાદ શરૂ થયેલો વિવાદ
તાજેતરમાં ITBPના ડીજી શત્રુજીત કપૂરે ભારત-ચીન સરહદની પરિસ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ સરહદે બંને દેશોના સૈનિકો વચ્ચે ઘણી વખત આમને-સામને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ ચૂકી છે, જેમાં ભારતીય જવાનોએ મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કરીને પોતાની ફરજ નિભાવી હતી. ડીજીના આ નિવેદન પછી રાજકીય વિવાદ પણ વકર્યો હતો અને વિપક્ષે સરહદની સુરક્ષા મુદ્દે કેન્દ્ર સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા.




