હોંગ કોંગનો વિશેષ દરજ્જો રદ કરવા બદલ અમેરિકા પસ્તાશે : ચીન
- નાનકડા ટાપુ દેશ હોંગ કોંગ મુદ્દે ચીન-અમેરિકા સામસામે
- જિપપિંગ સાથે વાત કરવામાં મને કોઈ રસ નથી : ટ્રમ્પ, ચીન હોંગકોંગની સ્વતંત્રતા ખતમ કરવા પ્રયત્નશીલ
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.15 જુલાઈ 2020, બુધવાર
નાનાકડા ટાપુ દેશ હોંગ કોંગને કારણે બે મોટા દેશો ચીન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વધતો જાય છે. હોંગ કોંગની સુરક્ષા માટે ચીને નવો કાયદો દાખલ કરતાં અમેરિકા-બ્રિટન વગેરે દેશો નારાજ થયા છે. માટે આજે અમેરિકાએ હોંગ કોંગને વિશેષ દરજ્જો આપતા લાભો રદ કરી દીધા છે.
અમેરિકા સાથેના વેપારમાં હોંગ કોંગને જે લાભ મળતો હતો, એ હવે મળશે નહીં. હોંગ કોંગ એશિયામાં વેપારનું મોટુ હબ છે અને તેમાં વિવિધ દેશો તરફથી તેને મળતા આર્થિક લાભને કારણે હોંગ કોંગનો અસાધારણ વિકાસ થયો છે. પરંતુ હવે અમેરિકાના આ નિર્ણય સામે ચીને આકરી નારાજગી વ્યક્ત કરી છે અને અમેરિકા પસ્તાશે એવી પણ ધમકી આપી દીધી છે.
હોંગ કોંગ ૧૯૯૭માં બ્રિટન પાસેથી આઝાદ થયું ત્યારે ચીનને સોંપાયું હતું. પણ બ્રિટિશરોએ એવી શરત રાખી હતી કે ચીન કરતાં હોંગ કોંગને કેટલીક વધારે સ્વતંત્રતા આપવી, ચીનનો જ ભાગ ગણાય તો પણ વહિવટ સ્વતંત્ર રીતે ચાલવા દીધો. ૨૩ વર્ષ સુધી આ શરતોનું પાલન થયા પછી ચીને હોંગકોંગ સુરક્ષા માટે નવો કાનૂન દાખલ કયો છે, જેનાથી હોંગ કોંગના સત્તાધિશોને મળતી સત્તામાં કાપ આવે છે. ટૂંકમાં ચીન ધીમે ધીમે કરીને હોંગ કોંગને સંપૂર્ણપણે પોતાના કબજામાં કરવા માંગે છે. હોંગ કોંગની પ્રજા તેનો વ્યાપક વિરોધ કરી રહી છે.
હોંગ કોંગને અમેરિકા તરફથી મળનારા લાભો અમેરિકાએ અટકાવી દીધા છે. આ અંગેની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને જિનપિંગ સાથે વાત-ચીત કરવામાં કોઈ રસ નથી. ટ્રમ્પે ફરી કહ્યું હતું કે કોરોના માટે માત્ર ચીન જ જવાબદાર છે, કેમ કે તેમણેમાહિતી છૂપાવી રાખી હતી.
હોંગ કોંગની સ્વતંત્રતામાં જે ચીની અધિકારીઓ દખલ કરશે તેના પર પણ અમેરિકા પ્રતિબંધ મુકશે. ચીને તેના જવાબમાં કહ્યું હતું કે અમે અમેરિકાને હજુ પણ સમજાવીએ છીએ કે હોંગ કોંગ અમારો આંતરિક મામલો છે, તેની સાથે છેડ-છાડ કરવાનો પ્રયાસ ન કરે. બાકી પછી અમેરિકાએ આકરા પરિણામો ભોગવવા પડશે.
ટિકટોક એ ચીન માટે જાસૂસીનું મોટું સાધન હતું : અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કહ્યું હતું કે ટિકટોક એ ચીન માટે જાસૂસી કરવાનું મોટું સાધન હતું. ભારતે તેના પર પ્રતિબંધ મુક્યોતેની બહુ મોટી અસર થઈ રહી છે. ભારતના પ્રતિબંધ પછી અમેરિકા પણ આવી ચાઈનિઝ એપ પર પ્રતિબંધની વિચારણા કરી રહ્યું છે.
રોબર્ટે કહ્યું હતું કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ટિકટોકનો ડેટા મેળવી સામાન્ય નાગરિકો પર પણ નજર રાખતી હતી. માટે તેના પર પ્રતિબંધ મુકીને ભારતે બહુ નોંધપાત્ર કામ કર્યું છે. ચીન તેનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિનો ડેટા હેક કરી શકે અને તેનો દુરુપયોગ પણ કરી શકે એમ છે. ભૂતકાળમાં થયેલા કેટલાક હેકિંગમાં પણ ચીનનો જ હાથ હોવાનું તેમણે કહ્યું હતું.