ઈઝરાયલમાં ઐતિહાસિક મતદાનથી નેતન્યાહુની ઊંઘ ઊડી, ભાવિ અદ્ધરતાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હમાસના હુમલા, ગાઝા, લેબનોન, ઈરાન યુદ્ધ વચ્ચે પહેલી ચૂંટણી
- ૧૯૭૩ પછી પહેલી વખત બપોરે ૪.૦૦ સુધીમાં ૫૫ ટકાથી વધુ મતદાન : પૂર્વ સૈન્ય પ્રમુખ આઈસનકોટ વધુ લોકપ્રિય
- નેતન્યાહુએ લિકુડ પાર્ટીના સમર્થકોને ઘરોમાંથી બહાર નીકળી મતદાન કરવા હાકલ કરવી પડી
જેરુસલેમ : દુનિયામાં લોકશાહી દેશોમાં ઉથલ-પાથલ મચેલી છે. ચૂંટણીમાં જનતા ક્યાંક કટ્ટરવાદી નેતાઓને હરાવી રહી છે તો ક્યાંક જીતાડી રહી છે. આવા સમયે આખી દુનિયાની નજર મંગળવારે ઈઝરાયેલમાં યોજાઈ રહેલી ચૂંટણી પર છે. હમાસના આતંકી હુમલા, ગાઝામાં લાંબા સૈન્ય અભિયાન, લેબનોન અને ઈરાન સાથે યુદ્ધ પછી ઈઝરાયેલમાં પહેલી વખત મંગળવારે મતદાન થયું હતું, જેમાં ઐતિહાસિક મતદાનથી વડાપ્રધાન નેતન્યાહુની ઊંઘ ઊડી ગઈ છે. રાજકીય કારકિર્દીની સૌથી મોટી અગ્નિપરીક્ષા આપી રહેલા નેતન્યાહુને પૂર્વ સૈન્ય પ્રમુખ ગાદી આઈસનકોટ આકરી ટક્કર આપી રહ્યા છે. ઈઝરાયેલમાં સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં ૫૫ ટકાથી વધુ મતદાન થયું હતું.
ગાઝામાં ઈઝરાયેલના સૈન્યે વરતાવેલા ભારે કેરના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે યહુદી દેશ એકલો પડી રહ્યો છે તેવા સમયે ઈઝરાયેલની સત્તા કોને સોંપવી તેનો નિર્ણય કરવા જનતા સવારથી જ મતદાન કેન્દ્રો પર ઉમટી પડી છે. ઈઝરાયેલના ઈતિહાસમાં આ ચૂંટણી ઐતિહાસિક બની રહેશે, કારણ કે બપોરે ૪.૦૦ વાગ્યા સુધીમાં જ ઐતિહાસિક ૫૫ ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. ૧૯૭૩ પછી પહેલી વખત બપોરના સમય સુધીમાં આટલું મતદાન થયું છે. મતદાન રાતે ૧૦.૦૦ વાગ્યાથી પણ વધુ સમય સુધી ચાલવાનું હોવાથી મતદાન પૂરું થતા સુધીમાં ટકાવારી ખૂબ જ ઊંચી જવાની સંભાવના છે.
ઈઝરાયેલમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન બનનારા બેન્જામિન નેતન્યાહુ માટે આ ચૂંટણી પડકારરૂપ બની રહેશે. ચૂંટણી સર્વેક્ષણો મુજબ લિકુડ પાર્ટીના નેતન્યાહુની દક્ષિણપંથી ગઠબંધનના વડા પૂર્વ આર્મી ચીફ ગાદી આઈસેનકોટ સાથે મજબૂત હરીફાઈ છે. આ સિવાય પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટ જેવા મુખ્ય વિપક્ષી નેતા પણ ચૂંટણીમાં ટક્કર આપી રહ્યા છે. ઈઝરાયેલમાં સરકાર બનાવવા માટે ૬૧ બેઠકો પર વિજય જરૂરી છે.
ચૂંટણી સર્વેક્ષણો મુજબ હમાસના હુમલા પહેલા ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરનારા નેતન્યાહુ માટે આ ચૂંટણી તેમની રાજકીય કારકિર્દી માટે નિર્ણાયક બની શકે છે. હમાસના હુમલા, ગાઝા, લેબનોન તથા ઈરાન યુદ્ધના કારણે આ રાષ્ટ્રીય ચૂંટણીમાં સુરક્ષા સૌથી મહત્વના મુદ્દા તરીકે ઊભરી આવ્યો છે.
નેતન્યાહુ માટે આ ચૂંટણી કેટલી મહત્વની છે તે એ બાબત પરથી ખ્યાલ આવે છે કે તેમણે ઐતિહાસિક મતદાન વચ્ચે પણ લિકુડ પાર્ટીના સમર્થકોને ઘરોમાંથી બહાર આવી મતદાન કરવા માટે અપીલ કરવી પડી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, લિકુડ સમર્થકો, આપણને શું થઈ ગયું છે? આ આપણા ઘર માટે લડાઈ છે. આ અસલી ઈમરજન્સી છે. તેમણે લિકુડ સમર્થકોને અન્ય લોકોને પણ મતદાન કેન્દ્ર સુધી લઈ આવવા હાકલ કરવી પડી હતી.
બીજીબાજુ સુરક્ષાની બાબતમાં આકરું વલણ ધરાવતા આઈસનકોટને દક્ષિણપંથી અને મધ્યમમાર્ગી બંને તરફથી સમર્થન મળી રહ્યું છે. જોકે, હાલ સંસદની નેસેટની ૧૨૦ બેઠકોમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી નહીં મળે તો નેતન્યાહુ આગામી ચૂંટણી સુધી કાર્યવાહક વડાપ્રધાનપદે રહી શકે છે.




