| (IMAGE - ENVATO) |
Henley Passport Index 2026: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરતા 'હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2026' (Henley Passport Index 2026)માં ભારતે મોટી છલાંગ લગાવી છે. ભારતીય પાસપોર્ટ પાંચ સ્થાનના સુધારા સાથે હવે 80મા ક્રમે પહોંચી ગયો છે. વર્ષ 2025માં ભારત 85મા સ્થાને હતું, જે હવે સુધરીને ફરી 2024ના સ્તર એટલે કે 80મા ક્રમે આવી ગયું છે. હાલમાં ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના 55 દેશોમાં વિઝા વગર (Visa-free) અથવા 'વિઝા-ઓન-અરાઈવલ' સુવિધા સાથે મુસાફરી કરી શકે છે.
એશિયાના દેશોનો દબદબો: સિંગાપોર નંબર-1
વૈશ્વિક સ્તરે એશિયાઈ દેશોએ આ યાદીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. સિંગાપોર સતત ત્રીજા વર્ષે દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતો દેશ બન્યો છે, જેના નાગરિકો 192 દેશોમાં વિઝા વગર જઈ શકે છે. ત્યારબાદ બીજા ક્રમે સંયુક્ત રીતે જાપાન અને સાઉથ કોરિયા છે, જેમના નાગરિકોને 188 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. ત્રીજા ક્રમે ડેનમાર્ક, સ્વીડન, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ અને લક્ઝમબર્ગ જેવા યુરોપિયન દેશો છે, જે 186 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ આપે છે.
UAE અને અમેરિકાના રેન્કિંગમાં સુધારો
આ વર્ષે યુનાઇટેડ આરબ એમિરેટ્સ(UAE) એ શાનદાર પ્રદર્શન કર્યું છે. UAE પાંચ સ્થાનના સુધારા સાથે હવે વિશ્વમાં 5મા ક્રમે પહોંચી ગયું છે, જે તેના 20 વર્ષના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. બીજી તરફ, ગયા વર્ષે ટોપ-10માંથી બહાર ફેંકાઈ ગયેલું અમેરિકા(USA) ફરી એકવાર વાપસી કરીને 10મા સ્થાને આવી ગયું છે.
સૌથી નબળા પાસપોર્ટ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન
યાદીમાં સૌથી નીચેના સ્તરે પડોશી દેશોની સ્થિતિ ચિંતાજનક છે. અફઘાનિસ્તાન 101મા ક્રમે એટલે કે યાદીમાં સૌથી છેલ્લે છે, જેના નાગરિકો માત્ર 24 દેશોમાં વિઝા વગર જઈ શકે છે. જ્યારે પાકિસ્તાન પણ ખાસ પાછળ નથી, તે 98મા ક્રમે છે. આ ઈન્ડેક્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન(IATA)ના ડેટા પર આધારિત છે, જે કુલ 199 પાસપોર્ટનું મૂલ્યાંકન કરે છે.


