વિશ્વનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નહીં પણ બાલીમાં છે, 700 વર્ષ જૂની સંસ્કૃતિ

World Cleanest Temple : વિશ્વનું સૌથી સાફ-સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નહિ પણ ઈન્ડોનેશિયાના બાલીમાં આવેલું છે, એક નાનકડું પહાડી ગામ પેંગલિપુરન, જેને વૈશ્વિક ગ્લોબલ સરવેમાં વિશ્વના ત્રણ સૌથી સ્વચ્છ ગામમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ જાણકારી ભલે વિચિત્ર લાગે પણ આ ગામે સાબિત કર્યું છે કે સફાઈકાર્ય માત્ર સરકારની જવાબદારી નથી, પણ પેઢીઓથી ચાલી આવતી આદત પણ હોઈ શકે છે. અહીં લગભગ સાતસો વર્ષથી સાફ-સફાઈ અને પરંપરાનું અદ્ભુત સંતુલન બની રહ્યું છે.
વિશ્વના લગભગ દોઢ અબજ હિન્દુઓમાંથી 94 ટકા ભારતમાં રહે છે, છતાં પણ સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ભારતનું નહિ પણ ઈન્ડોનેશિયાના બાંગલી જિલ્લામાં સ્થિત પેંગલિપુરન છે. હરિયાળા પર્વતોની વચ્ચે આવેલા આ ગામનું સૌંદર્ય અને અનુશાસન તેને વિશ્વભરમાં વિશિષ્ટ બનાવે છે. ઈન્ડોનેશિયા એક મુસ્લિમ બહુમતિ ધરાવતો દેશ છે, છતાં અહીં પ્રત્યેક ઘરમાં હિન્દુ સંસ્કૃતિના નાનકડા મંદિર મોજુદ છે. સાતસો વર્ષ જૂના આ ગામમાં એકપણ અપરાધ નથી થયો, જે તેની શાંત જીવનશૈલીની સાબિતી છે.
પેંગલિપુરનની ઓળખ તેના સખત સ્વચ્છતાના નિયમોથી છે. અહીં કચરો ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં દારૂ પર પણ પ્રતિબંધ છે અને ધૂમ્રપાન માટેના વિસ્તારો નિર્ધારીત કરાયા છે. ગામના પરંપરાગત વાંસના ઘરો તેની સુંદરતામાં હજી પણ વધારો કરે છે. ગામની અંદર કોઈપણ પ્રકારના વાહન પ્રવેશ પર પ્રતિબંધ છે, જેના કારણે પર્યાવરણ શુદ્ધ અને શાંત રહ્યું છે. અહીં મહિલાઓ સ્વચ્છતાની કરોડરજ્જુ છે, જે દર મહિને સાથે મળીને કચરો એકત્ર કરીને તેને જૈવિક કચરાના ખાતરમાં પરિવર્તિત કરે છે.
પ્રવાસની દ્રષ્ટિએ પણ પેંગલિપુરન પહોંચવું આસાન છે. દેનપસારથી 45 કિલોમીટર અને બાંગલી શહેરથી માત્ર પાંચ કિલોમીટર દૂર હોવાથી અહીં ખાનગી કાર અથવા ગ્રેબ તેમજ ગૌજેક જેવી રાઈડ શેરિંગ એપ દ્વારા પણ પહોંચી શકાય છે.
ગામ સવારે 8:15 કલાકથી સાંજે 6:30 કલાક સુધી પર્યટકો માટે ખુલ્લુ રહે છે.
ફરવાનો સર્વોત્તમ સમય એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે અથવા ગલુંગન અને કુનિંગન તહેવારો દરમ્યાન હોય છે. પ્રવાસીઓ અહીં હોમસ્ટેમાં હીને સ્થાનિક સંસ્કૃતિ તેમજ ભોજનનો અનુભવ પણ મેળવી શકે છે.

