Israeli-Palestinian Conflict: પેલેસ્ટિનિયન સંગઠન હમાસએ ઈજિપ્તમાં પ્રસ્તાવિત ગાઝા શાંતિ કરારના સત્તાવાર હસ્તાક્ષર સમારોહમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. હમાસના આ નિર્ણયને કારણે લાંબા સમયથી રાહ જોવાતા આ કરારનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. હમાસનું કહેવું છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજનાના કેટલાક ભાગો પર ગંભીર મતભેદો છે, જેને કારણે તેઓ સમારોહમાં હાજરી આપી શકશે નહીં.
હમાસને મુખ્ય વાંધો: સભ્યોનું નિષ્ક્રમણ
હમાસના નેતાઓએ ખાસ કરીને ટ્રમ્પના તે સૂચનને અર્થહીન ગણાવ્યું છે, જેમાં શાંતિ યોજનાના ભાગ રૂપે હમાસના સભ્યોને ગાઝા પટ્ટી છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.
રાજકીય બ્યુરોના સભ્ય હોસમ બદરાનએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'પેલેસ્ટિનિયનોને, પછી ભલે તેઓ હમાસના સભ્યો હોય કે ન હોય, તેમની ભૂમિ પરથી હાંકી કાઢવાનો વિચાર સંપૂર્ણપણે બકવાસ છે. યોજનાના બીજા તબક્કા પર વાટાઘાટો તેની જટિલતાઓ અને મુશ્કેલીઓને કારણે ઘણી મુશ્કેલ હશે.'
હથિયારો સોંપવાની શરતનો ઈનકાર
આ ટિપ્પણીઓ આગામી બે દિવસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્ય પૂર્વ મુલાકાત પહેલા આવી છે, જેનાથી શાંતિ પ્રક્રિયાને મોટો ઝટકો લાગ્યો છે. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઘણાં રાજકીય અવરોધો હજી બાકી છે. તેમણે જણાવ્યું કે હમાસ દ્વારા હથિયારો સોંપવાની યોજનાની મુખ્ય શરત, ગાઝા સરકારથી અલગ થઈ જાય તો પણ, તેની શક્યતા અત્યંત ઓછી છે.
આ પણ વાંચો: ખૈબર પખ્તુનવામાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર પર આત્મઘાતી હુમલો : 6 પોલીસ 7 આતંકીના મોત
આંશિક યુદ્ધવિરામનો અમલ
હમાસના વિરોધ વચ્ચે ટ્રમ્પના પ્રસ્તાવિત કરારનો એક ભાગ શુક્રવારે અમલમાં આવ્યો હતો. ઈઝરાયલે યુદ્ધવિરામ માટે સંમતિ આપી અને ગાઝાના કેટલાક ભાગોમાંથી તેના સૈનિકો પાછા ખેંચી લીધા. આનાથી ઈઝરાયલી બોમ્બમારાથી જેમનાં ઘરો નાશ પામ્યા હતા તે વિસ્થાપિત પરિવારોને તેમના વિસ્તારમાં પાછા ફરવાની તક મળી. શનિવારે યુદ્ધવિરામ અમલમાં આવતાની સાથે જ, હજારો પેલેસ્ટિનિયનો પગપાળા, કાર અને અન્ય વાહનોમાં ઉત્તર તરફ ગાઝા કિનારા પર પાછા ફર્યા હતા.
નોંધનીય છે કે, ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે અને મોટાભાગનો પ્રદેશ તબાહ થઈ ગયો છે, જેના કારણે આ શાંતિ કરારને તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે.


