H1-B વિઝા ફી એકઝાટકે 88 લાખ થઈ જતાં ભારતીયોને મોટો ફટકો, જાણો તેની શું થશે અસર
H1B visa fee hike : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલા એક નવા અધિકારપત્ર (Executive Order) મુજબ, H-1B વિઝા માટેની દરેક અરજી સાથે હવે એક લાખ અમેરિકન ડૉલર (આશરે 88 લાખ રૂપિયા)ની વાર્ષિક ફી ચૂકવવી ફરજિયાત રહેશે. આ નિર્ણયથી H-1B વિઝા પ્રક્રિયામાં મોટો ફેરફાર થવાનો છે. હજારો કુશળ વિદેશી કામદારો, ખાસ કરીને અમેરિકામાં સૌથી મોટી સંખ્યામાં આ વિઝા ધારણ કરનારા ભારતીય વ્યવસાયિકો પર તેની ગંભીર અસર થવાની સંભાવના છે.
નવો નિયમ કમરતોડ ફી વસૂલશે
આ સુધારા અનુસાર, H-1B વિઝા મેળવવા માંગતા દરેક અરજદારે અથવા તેમને નોકરી પર રાખનારે દર વર્ષે એક લાખ ડૉલરની નવી ફી ચૂકવવી પડશે. આ ફી નવી અરજીઓ ઉપરાંત હાલના વિઝામાં કરાતા સુધારા અને વિસ્તરણ (supplementary petitions) માટે પણ લાગુ થશે.
આ પણ વાંચો: H1-B વિઝાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા, અમેરિકન સાંસદે કહ્યું - દેશ બરબાદ થઈ જશે
હાલમાં કેટલી ફી છે?
હાલમાં, H-1B વિઝા માટે વિવિધ પ્રશાસનિક ખર્ચ મળીને લગભગ 1,500 ડૉલર જેટલી ફી ચૂકવવી પડે છે. નવી ફી સાથે આ પ્રક્રિયા અનેક ગણી ખર્ચાળ બની જશે. આ નિયમ અમેરિકામાંથી અને અમેરિકા બહારથી કરાતી અરજીઓ પર એકસમાન રીતે લાગુ પડશે. ફક્ત અત્યંત દુર્લભ કેસ અને રાષ્ટ્રીય હિતની પરિસ્થિતિઓમાં જ આમાંથી છૂટ આપવામાં આવશે.
સૌથી વધુ પ્રભાવિત થનારા વર્ગો
આ પગલાનો સૌથી મોટો આઘાત ભારતીય વ્યવસાયિકોને સહન કરવો પડશે, કારણ કે અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધુ છે. ગયા વર્ષે ભારત H-1B વિઝાનો સૌથી મોટો લાભાર્થી હતો, જે કુલ લાભાર્થીના 71% હતો; ચીન બીજા ક્રમે હતું, જેને ફક્ત 11.7% લાભ મળ્યો હતો. નવા નિયમની મુખ્યત્વે બે વર્ગો પર અસર દેખાશે:
1. અમેરિકાની મોટી IT કંપનીઓમાં કાર્યરત ભારતીય વ્યવસાયિકો.
2. અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક (Master’s) અથવા પીએચડી (PhD)ની પદવી મેળવીને H-1B વિઝા માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓ.
એક અહેવાલ મુજબ, લગભગ 65% ભારતીય H-1B ધારકો કમ્પ્યુટર સંબંધિત ક્ષેત્રોમાં કામ કરે છે અને તેમનો સરેરાશ વાર્ષિક પગાર આશરે 1,18,000 ડૉલરનો છે. એમાંના એક લાખ ડૉલરની ફી સરકારને ચૂકવવી પડશે તો મધ્યમવર્ગી વ્યવસાયિકો, નવી નોકરી શરુ કરનારા કર્મચારીઓ અને નવા ગ્રેજ્યુએટ થનારાઓ અમેરિકામાં ટકશે કઈ રીતે થશે?
નિયમનો હેતુ શું છે?
ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે આ નિર્ણય H-1B કાર્યક્રમના દુરુપયોગ પર અંકુશ મૂકવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓને સુરક્ષિત કરવા માટે લેવાયો છે. તેમનું માનવું છે કે ટૅક્નોલૉજી ક્ષેત્ર સહિત અનેક ઉદ્યોગોમાં અમેરિકન નાગરિકોને બદલે વિદેશી વ્યવસાયિકોને નોકરી આપવામાં આવે છે, જેને લીધે અમેરિકનોએ બેરોજગારીનો સામનો કરવો પડે છે. ઊંચી ફી રાખવાથી અનાવશ્યક અરજીઓ ઘટશે અને કંપનીઓ ફક્ત ખરેખર ખૂબ લાયક હોય એવા વિદેશી કર્મચારીઓને જ નોકરી આપશે.
નિષ્ણાતોનો અભિપ્રાય અને ટ્રમ્પનો વિરોધ
હાલના H-1B ધારકો પર તાત્કાલિક અસર ન થાય તેમ હોવા છતાં, નિષ્ણાતો માને છે કે નોકરી બદલવાની તકો સીમિત થઈ જશે અને વિઝા નવીકરણની પ્રક્રિયા અત્યંત ખર્ચાળ બનશે. નોકરી પ્રદાતા કારકીર્દી શરુ કરી રહેલા નવા કર્મચારીઓને સ્પોન્સર કરવામાં અચકાશે. પરિણામે, ટેલેન્ટેડ કર્મચારીઓનો લાભ ભારતને અથવા તો પછી કેનેડા, બ્રિટન, UAE જેવા અન્ય દેશોને મળશે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું અમેરિકાની અર્થવ્યવસ્થા માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે ઘણા ઉદ્યોગો ભારત અને ચીન જેના દેશોની વૈશ્વિક પ્રતિભા પર નિર્ભર છે. તેથી ટ્રમ્પની અન્ય નીતિઓની જેમ આ નીતિનો પણ અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે.
ઘરવાપસીનું જોખમ સર્જાશે
અમેરિકા દર વર્ષે લોટરી પદ્ધતિ દ્વારા 85,000 H-1B વિઝા જારી કરે છે. નવા નિયમને લીધે ઘણા નવા અરજદારો અને હાલમાં જે વિઝા ધારકો છે એના માટે પણ આટલી ભારે રકમ ચૂકવવી અશક્ય બની શકે છે. જો નોકરી પ્રદાતા આ ખર્ચ વહન કરવા તૈયાર ન હોય, તો કર્મચારીઓને નોકરી ગુમાવીને પોતાના મૂળ દેશમાં પાછા ફરવું પડી શકે છે. ઘણા લોકો H-1B વિઝાનો ઉપયોગ ગ્રીન કાર્ડ મેળવવા માટેના માર્ગ તરીકે કરે છે. એમના માટે પણ હવે અવરોધ સર્જાશે.
નવો નિયમ આ મહિનાથી જ લાગુ થશે
આ નવો નિયમ 21 સપ્ટેમ્બરથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને પ્રારંભિક રૂપે આગામી 12 મહિના માટે માન્ય રહેશે. એ પછી એને કાયમી કરવાનો અંદાજ છે.
ટ્રમ્પ પ્રશાસનનો આશાવાદી અભિગમ
ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, ખાસ કરીને IT આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા H-1B પ્રણાલીનો વ્યાપક દુરુપયોગ થાય છે. તેના લીધે અમેરિકનોની નોકરીઓ જોખમાય છે અને રાષ્ટ્રીય સુરક્ષા પણ જોખમમાં મૂકાય છે. નવા નિયમને લીધે અમેરિકન પ્રતિભાને વધુ તકો મળશે અને ઓછી કુશળતા ધરાવતા વિદેશી કામદારોને પાછા તેમના દેશમાં મોકલવામાં મદદ મળશે.
અમેરિકાનું નુકસાન એ ભારતનો ફાયદો?
ટ્રમ્પના આ નવા નિર્ણય બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે, H-1B વિઝા માટેની ફીમાં અભૂતપૂર્વ વધારો કરીને અમેરિકા પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યું છે. વૈશ્વિક પ્રતિભા માટે દરવાજા બંધ કરીને અમેરિકા જે ટેલેન્ટેડ કર્મચારીઓ ગુમાવશે એ આગામી સમયમાં ભારતના બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને ગુરુગ્રામ જેવા શહેરોમાં કાર્યરત થશે, જેને લીધે દેશને આઇટી અને ટૅક્નોલૉજી ક્ષેત્રે ખૂબ લાભ થશે. ભારતના શ્રેષ્ઠ ડૉકટરો, ઇજનેરો અને વિજ્ઞાનીઓ અમેરિકાને બદલે ભારતની પ્રગતીમાં યોગદાન આપશે, જેને લીધે અમેરિકાનું નુકસાન લાંબે ગાળે ભારતનો ફાયદો બની જશે.