H1B વિઝાના નવા નિયમથી મેટા-માઇક્રોસોફ્ટમાં ખળભળાટ! ઈમેલ કરી કહ્યું- 24 કલાકમાં US પરત ફરો
Companies tell H1b Workers return to US Immediately: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેમાં તેમણે H-1B વર્ક વિઝા ધારકો પર $1,00,000 (લગભગ ₹83 લાખ)ની વધારાની ફી લાદી છે. આ નવો નિયમ 21 સપ્ટેમ્બર, 2025ની મધ્યરાત્રિથી અમલમાં આવશે.
કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા આદેશ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ (અમેરિકા) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઇક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હો તો 24 કલાકમાં દેશ પરત ફરો.
H1B વિઝા ધરાવતા હો તો અમેરિકામાં જ રહેવા સલાહ
મેટાએ તેમના કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશ આપ્યા છે જ્યારે બીજી તરફ માઇક્રોસોફ્ટે કર્મચારીઓને આગામી 15 દિવસ કોઈ પણ કારણસર અમેરિકા બહાર ન જવા સલાહ આપી છે. એમેઝોન કંપનીએ પણ કર્મચારીઓને નોટિસ આપી છે કે જો તમે H1B વિઝા ધરાવતા હોય તો દેશમાં જ રહો.
નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીસ વધારીને 1 લાખ ડૉલર કરી નાંખી છે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ જશે. હજુ તો કંપનીઓ તથા કર્મચારીઓ નવા નિયમો સમજી રહ્યા છે એવામાં નિયમ લાગુ કરવાની સરકારની ઉતાવળના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
કંપનીઓએ કર્મચારીઓને તાત્કાલિક પરત ફરવા કહ્યું
આ નિર્ણયથી ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે, કારણ કે H-1B વિઝા ધારકોમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. ઇમિગ્રેશન વકીલો અને ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પરત ફરવા માટે ચેતવણી આપી છે, કારણ કે જો તેઓ સમયસર પાછા નહીં ફરે તો તેમના પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે અને તેઓ ફસાઈ જવાનું જોખમ પણ છે.
પુનઃપ્રવેશથી વંચિત રહેવા'ના જોખમથી બચાવવાનો હેતુ
માઇક્રોસોફ્ટનો એક આંતરિક ઈમેઇલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં કંપનીએ પોતાના H-1B અને H-4 (આશ્રિત) વિઝા ધારક કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપી છે. આ ઈમેઇલમાં કર્મચારીઓને તાત્કાલિક અમેરિકા પાછા ફરવા અને નજીકના ભવિષ્યમાં દેશની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સૂચના પાછળનો હેતુ તેમને 'પુનઃપ્રવેશથી વંચિત રહેવા'ના જોખમથી બચાવવાનો છે.
ભારતીય પ્રોફેશનલ્સ સૌથી વધુ પ્રભાવિત
H-1B વિઝા ધારકોમાં મોટી સંખ્યા ભારતીયોની છે. ટેક સેક્ટરમાં કામ કરી રહેલા હજારો ભારતીય કર્મચારીઓ સામે હવે સંકટ ઊભું થયું છે. કંપનીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એવા કર્મચારીઓને પ્રાથમિકતા આપી રહ્યા છે જેઓ આ આદેશ લાગુ થાય તે પહેલાં જ અમેરિકા પાછા આવી જાય.
નિષ્ણાતોના ટ્રમ્પ પ્રશાસન પર તીવ્ર પ્રહાર
કેટો ઇન્સ્ટિટ્યુટના ડેવિડ બિયરે ટ્રમ્પ પ્રશાસન પર તીવ્ર પ્રહાર કરતાં કહ્યું કે, 'ભારતીય H-1B કર્મચારીઓએ અમેરિકાના અર્થતંત્રમાં અબજોનું યોગદાન આપ્યું છે, છતાં તેમને બદલામાં માત્ર ભેદભાવ અને નફરત જ મળી છે. ભારતીય પ્રોફેશનલ્સને માત્ર જન્મસ્થળના આધારે દાયકાઓથી ગ્રીન કાર્ડ માટે રાહ જોવી પડી રહી છે, જે કાનૂની વ્યવસ્થાનું સૌથી ભેદભાવપૂર્ણ પાસું છે.'
બિયરે આ પગલાને અમેરિકાના હિતોની વિરુદ્ધ ગણાવતાં કહ્યું કે, 'ટ્રમ્પ મહેનતુ અને કાયદાનું પાલન કરતા આ લોકોને અપરાધી અને નોકરી ચોર તરીકે રજૂ કરી રહ્યા છે, જે અયોગ્ય છે.'
આ પણ વાંચો: H1-B વિઝાની ફી વધારતા ટ્રમ્પ ઘરમાં જ ઘેરાયા, અમેરિકન સાંસદે કહ્યું - દેશ બરબાદ થઇ જશે
H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો: ટ્રમ્પ
ટ્રમ્પે H-1B વિઝા અરજીઓ પર $1,00,000નો ચાર્જ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં તેમણે આ કાર્યક્રમના દુરુપયોગને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, 'H-1B વિઝાનો હેતુ અતિ-કુશળ કામદારોને લાવવાનો છે, પરંતુ તેનો ઉપયોગ અમેરિકન કામદારોની જગ્યાએ સસ્તા અને ઓછા પ્રશિક્ષિત કામદારો માટે કરવામાં આવી રહ્યો છે.' ટ્રમ્પે દાવો કર્યો કે કેટલીક આઉટસોર્સિંગ કંપનીઓ વિઝા છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું પણ જણાયું છે.