H1Bમાં ફી વધી પણ અમેરિકા જવા માટે હજુ 4 વિકલ્પ: જાણો L1, O1 અને EB5 વિઝાના નિયમો
H1b Visa Fee Hike Alternatives for Indian Professionals: ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે $100,000(લગભગ ₹83 લાખ)નો નવો ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 21 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. તેના કારણે ઘણાં કુશળ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ હવે અમેરિકામાં કામ કરવા માટે અન્ય રસ્તાઓ શોધી રહ્યા છે. માઇક્રોસોફ્ટ, એમેઝોન અને જેપી મોર્ગન જેવી મોટી કંપનીઓએ પણ તેમના H-1B કર્મચારીઓને અમેરિકામાં જ રહેવા કહ્યું છે અને જે કર્મચારીઓ દેશની બહાર હતા તેમને 21 સપ્ટેમ્બર સુધીમાં પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી.
જોકે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે, 'આ નવો ચાર્જ માત્ર નવા અરજદારો પર જ લાગુ પડશે, છતાં પણ અનિશ્ચિતતા વધી છે. આવામાં H-1B વિઝા સિવાય અન્ય બે મુખ્ય વિકલ્પો છે: O-1 વિઝા અને L-1 વિઝા.
O-1 વિઝા: અસાધારણ પ્રતિભા (Extraordinary Ability) ધરાવતા લોકો માટે
આ વિઝા એવા લોકો માટે છે જેમણે વિજ્ઞાન, શિક્ષણ, કળા, વ્યવસાય, રમતગમત કે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં અસાધારણ પ્રતિભા અથવા મોટી સિદ્ધિઓ મેળવી હોય. જેમણે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હોય, તેઓ આ વિઝા માટે અરજી કરી શકે છે.
O-1 વિઝાના મુખ્ય બે પ્રકાર
O-1A: વિજ્ઞાન, શિક્ષણ, વ્યવસાય કે રમતગમતમાં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો માટે.
O-1B: કળા અથવા ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે.
મર્યાદા અને ફી:
આ વિઝા પર કોઈ વાર્ષિક મર્યાદા નથી એટલે કે H-1B વિઝાની જેમ લોટરી સિસ્ટમ નથી. તેનો એપ્રુવલ રેટ લગભગ 93% છે, જે H-1Bના 37% કરતાં ઘણો ઊંચો છે. તેમજ તેની ફી લગભગ $12,000 (લગભગ ₹10.6 લાખ) છે. આ ઉપરાંત આ વિઝા ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને જરૂર પડ્યે એક-એક વર્ષ માટે વધારી શકાય છે.
L-1 વિઝા: કંપનીના કર્મચારીઓ માટે ટ્રાન્સફર વિઝા
કોના માટે: આ વિઝા મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતાં એવા કર્મચારીઓ માટે છે જેમને કંપનીની ભારતની શાખામાંથી અમેરિકાની શાખામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
લાયકાત: આ વિઝા મેનેજર, એક્ઝિક્યુટિવ અથવા વિશેષ જ્ઞાન ધરાવતાં કર્મચારીઓને મળે છે. અરજી કરનારે કંપનીની વિદેશી શાખામાં ઓછામાં ઓછો એક વર્ષનો સતત કાર્યકાળ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
પ્રકાર:
L-1A: મેનેજર અથવા એક્ઝિક્યુટિવ માટે.
L-1B: વિશેષ જ્ઞાન ધરાવતા કર્મચારી માટે.
મર્યાદા અને ફી:
આ વિઝા કંપની સાથે સંબંધિત છે, વ્યક્તિગત રીતે નહીં. આની બેઝિક અરજી ફી લગભગ $7,000 (લગભગ ₹6.17 લાખ) છે, જે H-1Bની ફી કરતાં ઘણી ઓછી છે.
માન્યતા: આ વિઝા સામાન્ય રીતે 1થી 3 વર્ષ માટે માન્ય હોય છે અને તેને વધારી શકાય છે.
H-1B, O-1 અને L-1 વિઝા વચ્ચેનો મુખ્ય તફાવત
H-1B: આ વિઝા કોઈ પણ અમેરિકન કંપનીમાં સ્પેશિયલ સ્કિલની જોબ માટે હોય છે. આ માટે દર વર્ષે લોટરી સિસ્ટમ ચાલે છે અને મર્યાદિત સંખ્યામાં જ વિઝા મળે છે.
O-1 અને L-1: આ વિઝા વધુ ચોક્કસ કેટેગરી માટે છે. તેમાં H-1B જેટલી મર્યાદાઓ નથી. ખાસ કરીને, O-1 વિઝા એવા લોકો માટે ઉત્તમ છે જેમણે પોતાના ક્ષેત્રમાં પહેલાંથી જ મોટું નામ અને ઓળખ બનાવી હોય.