ટેરિફ બાદ હવે ભારતને વધુ એક ઝટકો આપશે અમેરિકા? રિપબ્લિકન સેનેટરે કહ્યું- H1B વિઝા બંધ કરો
H-1B Visa: અમેરિકા રિપબ્લિકન સેનેટર માઈક લીએ H-1B વિઝા પર પ્રતિબંધ મૂકવાની શક્યતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરની એક પોસ્ટના જવાબમાં, તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે, 'શું H1B વિઝા પર પ્રતિબંધ મૂકવાનો સમય આવી ગયો છે?' આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોલમાર્ટના એક અધિકારીને ભારતીય H-1B કર્મચારીઓને પ્રાથમિકતા આપવા માટે લાંચ આપવામાં આવી હતી. માઇક લી આ મુદ્દા પર પોતાનો અવાજ ઉઠાવનારા નેતા બન્યા છે, જેના કારણે અમેરિકામાં H-1B કાર્યક્રમ પર ચાલી રહેલી ચર્ચા વધુ તીવ્ર બની છે.
H-1B વિઝા એટલે શું?
વર્ષ 1990માં શરૂ થયેલા H-1B વિઝા અમેરિકાની કંપનીઓને ચોક્કસ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીને રોજગારી આપવાની મંજૂરી આપે છે. આ વિઝા ત્રણ વર્ષના હોય છે. જેને મહત્તમ છ વર્ષ સુધી લંબાવી શકાય છે. દર વર્ષે અમેરિકાની સરકાર 65,000 H-1B વિઝા જાહેર કરે છે, જ્યારે અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી માસ્ટર અથવા પીએચડી કરનારાઓને વધારાના 20,000 વિઝા આપવામાં આવે છે. ભારત લાંબા સમયથી H-1B વિઝા કાર્યક્રમનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે, ખાસ કરીને આઇટી અને ટેકનોલોજી વ્યાવસાયિકો માટે.
અમેરિકનમાં H-1B પર વિભાજન
અહેવાલો અનુસાર, H-1B વિઝા પર અમેરિકમાં વિભાજન સ્પષ્ટ દેખાય છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે 'મોટી ટેક કંપનીઓ અમેરિકન કર્મચારીઓને કાઢી મૂકે છે અને H-1B કર્મચારીઓની ભરતી કરે છે, જે અમેરિકન વ્યાવસાયિકો સાથે અન્યાય છે.' તેમણે ઉદાહરણ આપ્યું કે હજારો કર્મચારીઓને કાઢી મૂક્યા પછી પણ કંપનીઓ વિદેશી કાર્ય વિઝા માટે અરજી કરી રહી છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડાનાલ્ડ ટ્રમ્પે અગાઉ H-1B વિઝાને એક શાનદાર કાર્યક્રમ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, 'H-1B વિઝા ધરાવતા કર્મચારીઓ ઘણી કંપનીઓમાં કામ કરે છે.'
આ પણ વાંચો: BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક
USCIS ડિરેક્ટરનું વલણ અને નવા નિયમોની શક્યતા
યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના નવનિયુક્ત ડિરેક્ટર જોસેફ એડલોએ કહ્યું છે કે, 'H-1B વિઝાનો ઉપયોગ અમેરિકન અર્થતંત્ર અને કામદારોને પૂરક બનાવવા માટે થવો જોઈએ.' અમેરિકાની મીડિયા રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B લોટરી સિસ્ટમનો અંત લાવવા અને પગાર-આધારિત પ્રાથમિકતા સિસ્ટમ લાગુ કરવાનું વિચારી રહ્યું છે. આનો અર્થ એ છે કે વધુ પગાર મેળવતા કર્મચારીઓને પ્રાથમિકતા મળશે.
ભારતીય વ્યાવસાયિકો પર અસર
H-1B વિઝા કાર્યક્રમમાં ભારતીય IT અને ટેકનિકલ વ્યાવસાયિકોનો હિસ્સો સૌથી મોટો છે. દર વર્ષે હજારો ભારતીય એન્જિનિયરો, ડોકટરો અને સંશોધકો H-1B વિઝા દ્વારા અમેરિકા જાય છે. જો નિયમો કડક કરવામાં આવે અથવા પ્રતિબંધિત કરવામાં આવે તો તેની સીધી અસર ભારતના IT ક્ષેત્ર અને ભારતીય પ્રતિભા પર પડશે.