અમેરિકામાં વધુ એક ભારતીય જ્વેલર્સ સ્ટોર પર લૂંટારૂ ત્રાટક્યા, મિનિટોમાં લાખોના દાગીના સાથે ફરાર
US News: કેલિફોર્નિયાના સનીવેલમાં રવિવારે (29 જૂન) બપોરના સમયે એક ગુજરાતી જ્વેલર્સને ત્યાં લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓ ફિલ્મી ઢબે આવ્યા અને ગાડી સીધી જ દુકાનની અંદર ઘુસાડી દીધી. માત્ર 90 સેકન્ડમાં તો લાખોના દાગીના લૂંટીને ફરાર પણ થઈ ગયા. ધોળા દિવસે આ થયેલી લૂંટના કારણે સ્થાનિકો અને દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઈન્ડોનેશિયાના બાલીમાં રજા માણતાં લોકોની બોટ ડૂબી, 4ના કરુણ મોત, હજુ 38થી વધુ ગુમ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, રવિવારે (29 જૂન) લગભગ બપોરે 2:45 (ત્યાંનો સમય) વાગ્યે ઇસ્ટ અલ કેમિનો રીઅલ પર આવેલી ગુજરાતી માલિકની મનીષા જ્વેલર્સ નામની દુકાનને લૂંટારાઓએ નિશાનો બનાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફૂટેજમાં જોવા મળ્યું કે, લૂંટારાઓ ગાડીમાં આવે છે અને ગાડી સીધી દુકાનની અંદર ઘુસાડી દે છે. વાહન અંદર ઘુસ્યા બાદ આ લૂંટારાઓ દુકાનની અંદર આવી જાય છે અને હથોડી વડે શોકેસ તોડી નાંખે છે અને ત્યાં પડેલા તમામ દાગીના લઈને નસી જાય છે. ફક્ત 90 સેકન્ડની અંદર લૂંટારૂઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો.
દુકાન માલિકને ઈજા
લૂંટારાઓ જે ગાડી લઈને આવ્યા હતા તે પણ ચોરીની હતી અને આ ગાડી તેઓ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના દરમિયાન દુકાનની અંદર હાજર માલિકને ઈજા પહોંચી હતી. દુકાનદાર ડેસ્ક પર બેઠો હતો ત્યારે ગાડી દુકાનના આગળના ભાગમાં અથડાઈ હતી, આ દરમિયાન તેમને ઈજા પહોંચી હતી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.