યુકેની ભારતીય રેસ્ટોરન્ટમાં ચાર યુવક મસમોટું બિલ ચૂકવ્યા વિના રફૂચક્કર, પોલીસ ફરિયાદ નોંધાઈ
UK Restaurant: યુકેના નોર્થમ્પ્ટનશાયરમાં આવેલી સેફ્રોન નામની ભારતીય રેસ્ટોરન્ટમાં ચાર યુવક રૂ. 23,000નું બિલ ચૂકવ્યા વિના જતા રહ્યા હતા. રેસ્ટોરન્ટના માલિકે પાંચમી ઓગસ્ટના રોજ ફેસબુક પર આ ઘટનાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા છે. ત્યાર પછી હાલ યુકેમાં આ વીડિયો વાઇરલ થઇ ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ચારેય યુવકો રેસ્ટોરન્ટમાં ભોજન કરીને શાંતિથી નીકળી જાય છે.
ફેસબુક પોસ્ટ મૂક્યા પછી ઘટનાના વીડિયો વાઇરલ
આ રેસ્ટોરન્ટની ફેસબુક પોસ્ટમાં જણાવાયું છે કે, ‘ગઈ કાલે રાત્રે લગભગ 10:15 વાગ્યે ચાર યુવક અમારી રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. તેમણે ભોજનની મજા માણી અને બિલ ચૂકવ્યા વિના જતા રહ્યા. આ વ્યવહાર ચોરી જ નથી, પરંતુ અત્યંત મહેનત નાના ધંધાદારીઓ અને આપણા સ્થાનિક સમાજ પર પણ નકારાત્મક અસર કરે છે.’
આ અંગે રેસ્ટોરન્ટે પોલીસ ફરિયાદ પણ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ લઈને તપાસ પણ હાથ ધરી છે. આ પોસ્ટમાં એમ પણ જણાવાયું છે કે, ‘જો તમે આ યુવકોને ઓળખતા હોવ અથવા તેમના વિશે કોઈ માહિતી ધરાવતા હોવ, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો અથવા પોલીસને જાણ કરો. આવા લોકોને જવાબદાર ઠેરવવામાં અમારી મદદ કરો. આ પ્રકારના વ્યવહારનું સમાજમાં કોઈ સ્થાન ના હોવું જોઈએ. ચાલો, એકબીજાને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થઈએ.’
આ પણ વાંચોઃ ટ્રમ્પ તો ટ્રમ્પ પણ એમના અધિકારીઓ પણ નથી ઝપતાં, ફરી ભારત-પાક. યુદ્ધનો કર્યો ઉલ્લેખ
ચારેય યુવકોનું બિલ પણ શેર કર્યું
આ પોસ્ટ સાથે રેસ્ટોરન્ટે બિલની તસવીર પણ શેર કરી છે, જેમાં ચારેય યુવકે ઓર્ડર કરેલી ચીજવસ્તુઓનું કુલ બિલ આશરે રૂ. 23 હજાર (£197) છે. આ પોસ્ટ વાઇરલ થયા બાદ નોર્થમ્પ્ટનશાયર પોલીસે આ ઘટનાને ચોરી ગણીને લોકોને માહિતી આપવાની અપીલ કરી છે.
સોશિયલ મીડિયા યુઝર્સે યુવકોની ટીકા કરી
આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા યુઝર્સે પણ રેસ્ટોરન્ટને ટેકો જાહેર કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ ચોરીનો કેસ છે અને તેની સજા છ મહિના સુધીની હોઈ શકે છે.’ તો એક યુઝરે સૂચન કર્યું છે કે ‘આવું ન થાય એ માટે પ્રિ-પેમેન્ટ કરો અને સુરક્ષિત થઈ જાઓ.’ અન્ય યુઝર્સે પણ ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું છે કે, ‘ગોલ્ડ સ્ટ્રીટના નાના કેફેમાં પણ ઘણીવાર આવું થાય છે. ભોજન આપતી વખતે જ પેમેન્ટ લઈ લો, આ જ વિકલ્પ શ્રેષ્ઠ છે.’
આ ઉપરાંત કેટલાક યુઝર્સે યુવકોની ભારે ટીકા કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘અત્યંત ઘૃણાસ્પદ. આ તેમના માટે મજા હોઈ શકે, પરંતુ અન્યો માટે તેમની આજીવિકા છે. જો રેસ્ટોરન્ટમાં ભોજન આપતા પહેલા પેમેન્ટ લઈ લેવાય તો કંઈ ખોટું નથી. આપણે એવા સ્થાને પહોંચી ગયા છીએ જ્યાં વેપારીઓએ દરેકને સંભવિત ચોર જ ગણવા પડે. આશા છે કે આ હલકટો પકડાય. કર્મને સમય લાગે છે, પરંતુ તેનું ફળ જરૂર મળે છે.’