Greenland News: વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાની ડોનાલ્ડ ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષાએ વૈશ્વિક વ્યૂહનીતિમાં નવો વળાંક લીધો છે. ટ્રમ્પની ધમકી અને રશિયા-ચીનના વધતા પ્રભાવના ડર વચ્ચે ડેનમાર્કની અપીલથી છ નાટો (NATO) દેશોએ ગ્રીનલેન્ડમાં પોતાની લશ્કરી હાજરી વધારવાનું શરૂ કરી દીધું છે.
કયા દેશોએ મોકલ્યું સૈન્ય?
અહેવાલો અનુસાર, ડેનમાર્ક હેઠળના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડની રક્ષા માટે અત્યાર સુધીમાં 6 મોટા દેશોએ પોતાના સૈનિકો અને લશ્કરી કર્મચારીઓ તહેનાત કરવાની જાહેરાત કરી છે, જેમાં સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ જવાનો મોકલવાની પુષ્ટિ કરી છે. નોર્વેએ બે લશ્કરી ટીમો રવાના કરી છે. જર્મનીએ દરિયાઈ દેખરેખ અને જાસૂસી મિશન માટે સૈનિકોની ટીમ મોકલી છે. ફ્રાન્સે સાથી દેશોની સંયુક્ત કવાયતમાં જોડાવા લશ્કરી ટીમ મોકલી. નેધરલેન્ડ અને કેનેડાએ પણ આ લશ્કરી કવાયતનો ભાગ બન્યા છે.
‘ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ’
આ સમગ્ર સૈન્ય તહેનાતી ડેનમાર્ક દ્વારા શરૂ કરાયેલ "ઓપરેશન આર્કટિક એન્ડ્યુરન્સ" ના ભાગરૂપે કરવામાં આવી રહી છે. આ મિશનનો મુખ્ય હેતુ આર્કટિક ક્ષેત્રમાં દરિયાઈ દેખરેખ વધારવાનો અને સંભવિત સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે સૈન્ય માળખું તૈયાર કરવાનો છે.
ટ્રમ્પની ધમકી અને રશિયા-ચીનનો ડર
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ગ્રીનલેન્ડની સુરક્ષા નબળી હોવાથી રશિયા અને ચીન તેનો ફાયદો ઉઠાવી શકે છે. આ બહાના હેઠળ તેમણે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી દેવાની વાત કરી છે. જો કે, ડેનમાર્કે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી દીધો છે અને પોતાના નાટો સાથીદારોની મદદ માંગી છે.
આ કવાયત પાછળના બે મુખ્ય સંકેતો
સંરક્ષણ નિષ્ણાતો આ લશ્કરી હિલચાલને બે રીતે જોઈ રહ્યા છે. યુરોપિયન દેશો અને કેનેડા ટ્રમ્પને એ સંદેશ આપી રહ્યા છે કે ગ્રીનલેન્ડની સુરક્ષા માટે આખું નાટો સંગઠિત છે. જો ટ્રમ્પ કબજો મેળવવાનો પ્રયાસ કરશે, તો તેમણે માત્ર ડેનમાર્ક જ નહીં પણ પોતાના જૂના સાથી દેશોના વિરોધનો પણ સામનો કરવો પડશે.
બીજી તરફ, આ દેશો એવું પણ દર્શાવી રહ્યા છે કે જો ટ્રમ્પને રશિયા કે ચીનનો ડર હોય, તો તેનો ઉકેલ ગ્રીનલેન્ડ પર કબજો નથી, પરંતુ નાટોના માધ્યમથી લશ્કરી હાજરી વધારવાનો છે.
ઉલ્લેખનીય છેકે, ગ્રીનલેન્ડ હવે માત્ર બરફનો ટાપુ નથી રહ્યો, પરંતુ અમેરિકા અને તેના યુરોપિયન સાથીઓ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગયો છે. આગામી દિવસોમાં આર્કટિક ક્ષેત્રમાં સૈન્ય ગતિવિધિઓ વધુ તેજ બને તેવી શક્યતા છે.


