Donald Trump and Greenland : ગ્રીનલેન્ડના ભવિષ્યને લઈને અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ વચ્ચે ચાલી રહેલો તણાવ વ્હાઇટ હાઉસની બેઠક બાદ પણ યથાવત છે. ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ટ અને ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોક્કે રાસ્મુસેને વ્હાઇટ હાઉસમાં અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જોકે, આ બેઠકમાં કોઈ નક્કર નિષ્કર્ષ નીકળી શક્યો નથી.
ગ્રીનલેન્ડનો અમેરિકામાં ભળવાનો સાફ ઇનકાર
બેઠક બાદ ગ્રીનલેન્ડના વિદેશ મંત્રીએ પત્રકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ અમેરિકા સાથે સહયોગ વધારવા તૈયાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બનવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડ તેની સીમાઓ અંગે મક્કમ છે અને પોતાના હિતોનું રક્ષણ કરશે.
હાઈલેવલ વર્કિંગ ગ્રુપની રચનાનો નિર્ણય
ડેનમાર્કના વિદેશ મંત્રી રાસ્મુસેને જણાવ્યું હતું કે, ત્રણેય પક્ષો વચ્ચે ઉકેલ લાવવા માટે એક 'હાઈલેવલ વર્કિંગ ગ્રુપ' બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ગ્રીનલેન્ડના ભવિષ્યને લઈને ટ્રમ્પ પ્રશાસન અને ડેનમાર્ક વચ્ચે હજુ પણ મૂળભૂત મતભેદો છે. રાસ્મુસેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે રશિયા કે ચીન તરફથી હાલમાં એવો કોઈ ખતરો નથી જેને ડેનમાર્ક સંભાળી ન શકે.
ટ્રમ્પનો આકરો જવાબ: 'ગોલ્ડન ડોમ' માટે ગ્રીનલેન્ડ જરૂરી
ડેનમાર્કના દાવા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે જો રશિયા કે ચીન ગ્રીનલેન્ડ પર હુમલો કરે, તો ડેનમાર્ક પાસે તેને રોકવાની ક્ષમતા નથી, માત્ર અમેરિકા જ આ સુરક્ષા આપી શકે છે. તેમણે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું હતું કે, "અમેરિકા ગ્રીનલેન્ડ લઈને જ રહેશે, કારણ કે તેના વિના 'ગોલ્ડન ડોમ'નું અમારું લક્ષ્ય પૂરું થઈ શકે નહીં." ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડની સુરક્ષા માટે તેઓ માત્ર ડેનમાર્ક પર ભરોસો રાખી શકે નહીં.



