Greenland Acquisition Threat: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલૅન્ડને ખરીદવા અથવા તેના પર કબજો કરવાની ચર્ચાઓએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ મામલે હવે યુરોપિયન યુનિયન(EU)ના ડિફેન્સ ચીફે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કરશે, તો તે NATO અને ટ્રાન્સ-એટલાન્ટિક જોડાણનો અંત થઈ શકે છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરના અહેવાલો મુજબ, યુરોપિયન યુનિયનના ટોચના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે ગ્રીનલૅન્ડ એ માત્ર એક જમીનનો ટુકડો નથી, પરંતુ યુરોપની સુરક્ષા અને અખંડિતતાનો મહત્ત્વનો ભાગ છે. જો અમેરિકા ગ્રીનલૅન્ડની સાર્વભૌમત્વ પર તરાપ મારશે, તો તે યુરોપિયન દેશો અને અમેરિકા વચ્ચેના દાયકાઓ જૂના સૈન્ય સંબંધોનો તાત્કાલિક ધોરણે જ અંત આવશે.
NATO માટે જોખમ
NATO(નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)માં અમેરિકા અને યુરોપના દેશો એકબીજાની સુરક્ષા માટે એક સંગઠન તરીકે કામ કરે છે. જો કે, ગ્રીનલૅન્ડ જે ડેનમાર્કનો સ્વાયત્ત હિસ્સો છે, તેના પર અમેરિકાની નજર છે. યુરોપિયન દેશો અમેરિકાની આ ચેષ્ટાને કારણે અસહજ અનુભવી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારનું પગલું NATOના પાયા હચમચાવી નાખશે.
કેમ ગ્રીનલૅન્ડ પર છે અમેરિકાની નજર?
વ્યૂહાત્મક સ્થાન: ગ્રીનલૅન્ડ આર્કટિક ક્ષેત્રમાં આવેલું છે, જે રશિયા અને ચીન સામે સૈન્ય નજર રાખવા માટે ખૂબ જ મહત્ત્વનું છે.
કુદરતી સંસાધનો: અહીં મોટા પ્રમાણમાં તેલ, ગેસ અને દુર્લભ ખનિજો (Rare Earth Minerals) હોવાની શક્યતા છે.
સુરક્ષા: અમેરિકા અહીં પોતાનો મજબૂત સૈન્ય બેઝ સ્થાપવા માંગે છે જેથી ઉત્તર ગોળાર્ધમાં તેની પકડ મજબૂત રહે.
ડેનમાર્કે પહેલાથી જ સ્થિતિ સ્પષ્ટ કરી
ડેનમાર્ક અને ગ્રીનલૅન્ડ અંગેનું વલણ ડેનમાર્ક સરકારે આ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલૅન્ડ વેચાણ માટે નથી. ગ્રીનલૅન્ડના સ્થાનિક નેતાઓએ પણ અમેરિકાના આ પ્રસ્તાવને તર્કહીન ગણાવી ચૂક્યા છે. જો કે ટ્રમ્પ એરામાં અમેરિકા કંઇપણ પગલું ભરી શકે તેવી સ્થિતિને જોતાં યુરોપિયન દેશો પહેલાથી જ ચોક્કસ છે. અમેરિકાની અણઘડ ટેરિફ નીતિના કારણે યુરોપિયન દેશો પહેલાથી જ પરેશાન છે તેવામાં ગ્રીનલૅન્ડનો મામલો બળતામાં ઘી હોમવાનું કામ કરી શકે છે.
યુરોપિયન સંરક્ષણ વડાએ ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ પ્રશાસન ગ્રીનલૅન્ડ મામલે આક્રમક વલણ અપનાવશે, તો વિશ્વના બે સૌથી મોટા સૈન્ય સાથીઓ (અમેરિકા અને યુરોપ) વચ્ચે મોટી તિરાડ પડી શકે છે. નાટોનો પણ અંત આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પહેલા જ નાટોને સૈન્ય મદદ અને ફંડ જેવા મામલે યુરોપિયન દેશોને અસહજ કરી ચૂક્યા છે.


